Get The App

રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારની શપથવિધિ સંપન્ન

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારની શપથવિધિ સંપન્ન 1 - image

પતિ અજિત પવારના અવસાનના ચોથા દિવસે શપથ સમારોહ

આ પહેલા તેમને પાર્ટીના વિધાનસભાના ગુ્રપ લીડર તરીકે વરણી કરાઇ, શરદ પવારનો પરિવાર શપથવિધિમાં ગેરહાજર

મુંબઇ   મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાનના આજે ચોથા દિવસે જ તેમના પત્ની સુનેત્રા પવારે રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. પતિના મૃત્યુના ગણતરીના દિવસોમાં જ ઉતાવળે લેવાયેલી શપથવિધિમાં સામે રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્કો પર શરૃ થઇ ગયા હતા.

આ પહેલા રાજ્ય સભાના સાંસદ પદેથી રાજીનામું આપનારા ૬૨ વર્ષીય સુનેત્રા પવારને ગવર્નર આચાર્ય દેવવ્રતે લોકભવનમાં સાંજે  પાંચ વાગે એક સંક્ષિપ્ત સમારોહમાં પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

આ પહેલા આજે બપોરે બે વાગે એનસીપી (એપી)ના તમામ ધારાસભ્યોેની મુંબઇમાં બેઠક યોજીને પ્રથમ સુનેત્રા પવારને રાજ્યના એનસીપી (એપી)ના વિધાનસભામાં પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢ્યા હતા.

ત્યાર બાદ એનસીપી (એપી)ના નેતા પ્રફુલ્લ પટેલ સહિત કેટલાક નેતા મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે સી.એમ. દેવેન્દ્ર ફડણવીસને મળીને સુનેત્રા પવાર વિધાનસભાના પાર્ટીના ગુ્રપ લીડર સહિત તેમને નાયબ મુખ્ય મંત્રી તરીકે વરણી કરવાનો નિર્ણય સંબંધોનો પત્ર આપ્યો હતો.

ત્યાર બાદ સી.એમએ તાબડતોબ લોકભવનમાં સુનેત્રા પવારને નાયબમુખ્યમંત્રી તરીકે શપથ વિધિ લેવડાવવા માટે ગવર્નર આચાર્ય દેવવ્રતને પત્ર આપ્યો હતો. ત્યાર બાદ શપથવિધિનો કાર્યક્રમ તાબડતોબ  સાંજે  પાંચ વાગે યોજાયો હતો.

ભાજપ-શિંદે શિવસેના-એનસીપી (એપી)ની મહાયુતિ સરકારમાં નાયબ મુખ્યમંત્રી પદ તેમજ નાણામંત્રાલય સંભાળનારા અજિત પવારનું ૨૮મી જાન્યુઆરીએ બારામતીમાં એક વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું.

જ્યારે સુનેત્રા પવાર નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેવા ઉભા થયા ત્યારે પાર્ટીના નેતા અને કાર્યકરોએ  'અજિત દાદા અમર રહે' જેવા નારા લગાવીને  સંપૂર્ણ હોલને ગજવી નાંખ્યો હતો.

આ શપથ સમારોહમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે, એનસીપી (એપી)ના નેતા પ્રફુલ્લ પટેલ, સુનીલ તટકરે અને છગન ભુજબળ સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.

આ સમારોહમાં સુનેત્રાનો નાનો પુત્ર જય પવાર અને તેની પત્ની પણ હાજર રહ્યા હતા. જોકે આ શપથવિધિમાં શરદ પવાર પરિવારના એક પણ સભ્ય હાજર રહ્યા ન હતા.

તેઓ રાજ્ય વિધાનસભાના કોઇપણ ગૃહના સભ્ય નથી અને આથી આગામી છ મહિનામાં તેમના સ્વ. પતિની ખાલી પડેલી બારામતી વિધાનસભા મતદાર ક્ષેત્રની પેટા ચૂંટણી લડે તેવી અપેક્ષા છે.

રાજકીય પવાર  પરિવારથી આવતા હોવા છતાં ઓછા જાણીતા સુનેત્રા પવારે વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીની ચૂંટણીમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં તેમની  સ્પર્ધા નણંદ અને એનસીપી (એસપી)ના નેતા સુપ્રિયા સૂળે સાથે બારામતીમાં થઇ હતી. સુનેત્રા પવાર સુપ્રિયા સૂળે સામે પરાજિત થયા હતા. ત્યાર બાદ તેમને રાજ્યસભાના સભ્ય બનાવ્યા હતા.

હવે તેમની સામે ભાજપ અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના સામે કામ કરતી વખતે એનસીપી (એપી)ને એક સાથે રાખવા અને ગંઠબંધન રાજકારણનું સંચાલન કરવાનું મુશ્કેલ ભર્યુ   કાર્ય છે. પરંતુ તેમનો તાત્કાલિક પડકાર એ હશે કે બંને એનસીપી ગુ્રપ બહુપ્રતિક્ષિત વિલીનીકરણ સાથે આગળ વધવું કે નહીં તે નક્કી કરવું પડશે.