FOLLOW US

હડતાલને લીધે જીવીતોની સારવાર બંધ, મૃતકાનાં પોસ્ટમોર્ટમ પણ અટક્યાં

Updated: Mar 17th, 2023


કોવિડ-ફલૂના વધતા કેસો વખતે જ મહારાષ્ટ્રની આરોગ્ય સેવા વેન્ટિલેટર પર

નર્સ  અને વોર્ડબોયનું કામ  દર્દીઓના સ્વજનોને સોંપાયું : ઓપરેશનો મોકૂફઃ મ્યુનિ. હોસ્પિટલમાં તમામ પોસ્ટમોર્ટમના બોજથી વેઇટિંગની સ્થિતિે

મુંબઇ :  જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી સાથે રાજ્યભરના સરકારી  કર્મચારીઓએ શરૃ કરેલી બેમુદત હડતાલની સૌથી માઠી અસર મુંબઇની તમામ સરકારી હોસ્પિટલોની તબીબી સેવા પર પડી છે. ઓપરેશનો  મુલત્વી રાખવામાં આવી રહ્યા છે એટલું જ નહીં પોસ્ટમોર્ટમની કામગીરી સુદ્ધા ખોરવાઇ ગઇ છે.

મુંબઇની સરકારી જે.જે. હોસ્પિટલ, જી.ટી. હોસ્પિટલ, કામા હોસ્પિટલ અને સેન્ટ  જ્યોર્જ હોસ્પિટલ જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં દરદીઓ સારવાર માટે આવતા હોય છે ત્યાં છેલ્લા ત્રણ દિવસથી ચાલતી હડતાલને લીધે સોપો પડી ગયો છે. ખૂબ જ તાકીદના હોય એવા જ ઓપરેશનો કરવામાં આવે છે, અર્જન્ટ ન હોય એવી શસ્ત્રક્રિયાઓ પાછી ઠેલવવામાં આવી રહી છે. દરદીઓને ૨૦ દિવસ કે મહિના પછીની તારીખો અપાઇ રહી છે. કારણ કે હોસ્પિટલોમાં નર્સિંગ અને પેરા-મેડિકલ સ્ટાફ ન હોવાથી શસ્ત્રક્રિયા ક રવાનું અને એડમિટ થયેલા દરદીઓની સારસંભાળ લેવાનું જ મુશ્કેલ બની ગયું છે.

જે.જે. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમની કામગીરી જ ખોરવાઇ ગઇ છે. બહુ જરૃરી કેસમાં મૃતદેહોને કે.ઇ.એમ. અને બીજી મ્યુનિસિપાલ હોસ્પિટલોમાં મોકલવામાં આવી રહ્યા છે. જે.જે. માં તો સફાઇ કર્મચારીઓ પણ હડતાલમાં જોડાયા હોવાથી કચરાના ઢગલાં થવા માંડયા છે. સામાન્ય દિવસોમાં જે.જે. હોસ્પિટલમાં ૨૫ એમ.આર.આઇ. ટેસ્ટ થતા હોય છે. પણ હડતાલને કારણે દિવસમાં માત્ર એકાદ એમઆરઆઇ ટેસ્ટ થાય છે.

ગંભીર રીતે બીમાર હોય એવાં દરદીઓને જ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. ગંભીર સ્થિતિમાં  ન હોય એવા  દરદીઓને રજા આપવામાં આવી રહી છે. એડમિટ દરદીઓના સગા-વ્હાલાએ જ નર્સ કે વોર્ડબોયની કામગીરી બજાવવાની નોબત આવી છે. દરદીઓના સગા-વ્હાલા અન્ય દરદીઓને પણ મદદરૃપ થઇ રહ્યા છે.

હોસ્પિટલમાં તાલીમાર્થી તબીબો સારવારની જવાબદારી સંભાળે છે. જોકે છેલ્લાં ત્રણ દિવસથી સતત ફરજ બજાવીને  કેટલાક તાલીમાર્થી ડૉકટરો પણ થાકને લીધે માંદા પડવા માંડયા છે.

હજારો દરદીઓ યાતના ભોગ્વી રહ્યા છે એ જોઇને હડતાલ પર ઉતરેલા કર્મચારીઓના પેટનું પાણી પણ નથી હલતું ગઇકાલે હોસ્પિટલ પરિસરમાં ભેગા થયેલા હડતાલિયા કર્મચારીઓએ ઘોષણાબાજી કરી હતી અને એનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે જ્યાં સુધી સરકાર લેખિત આશ્વાસન નહીં આપે ત્યાં સુધી હડતાલ પાછી નહીં ખેંચવી.


Gujarat
News
News
News
Magazines