સિસ્ટમ અપડેટ થતી હોવાથી કોમ્પ્યુટરાઈઝ્ડ ડોક્યુમેન્ટ તૈયાર થતું નથી
વર્ષો બાદ ફરી નાગરિકો દાખલા માટે પાલિકા ઓફિસોના ધક્કા ખાવા માટે મજબૂરઃ અનેક જરુરી કામો અટવાઈ પડયાં
મુંબઇ : મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અપાતાં જન્મ-મૃત્યુના દાખલા છેલ્લાં બે અઠવાડિયાથી શહેરીજનોને મળતા નથી. મહાપાલિકા સિસ્ટમ અપડેટ થઈ રહ્યાનું બહાનું કાઢી રહી છે. લોકોને પાલિકા ઓફિસોમાં સર્વર બંધ હોવાના જવાબો મળે છે.
કેટલાંક વર્ષો પહેલાં જન્મ કે મૃત્યુનો દાખલો કઢાવવા માટે લોકોને પાલિકાની ડિવિઝનલ ઓફિસમાં કેટલાંક ફેરા મારવા પડતાં હતાં. તેમાંય જો કોઈ સુધારો કરવાનો હોય તો કર્મચારી, અધિકારીઓને ભાઈસાબ બાપા કરવા પડતા હતાં. પરંતુ પાલિકાએ થોડાં વર્ષ પહેલાં જ આ બંને ડોક્યુમેન્ટ કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમથી ઉપલબ્ધ કરાવી આપવાનું શરુ કર્યું અને નાગરિકોને અનેક સમસ્યાઓમાંથી રાહત મળી.
છેલ્લાં બે અઠવાડિયામાં અનેક લોકોએ જન્મ કે મૃત્યુના દાખલા માટે પાલિકાની વિવિધ વૉર્ડ ઓફિસોમાં અરજી કરી છે. પરંતુ હજીયે તેમને એ મહત્ત્વનો ગણાતો દસ્તાવેજ મળ્યો નથી. નવી કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમને કારણે આ દાખલા મેળવવા સાવ સરળ બન્યાં છે પરંતુ ટેક્નિકલ સમસ્યાને કારણે બે અઠવાડિયાથી નાગરિકોને આ બંને દાખલા મળી શક્યા નથી. બાળકનો જન્મ થાય કે તરત સંબંધિત હૉસ્પિટલમાં તેની નોંધ થાય છે અને હૉસ્પિટલ દ્વારા બાળકના જન્મની માહિતી તે જ પરિસરના મુંબઈ મહાપાલિકાના વિભાગીય કાર્યાલયને મોકલવામાં આવે છે. જેના થોડા દિવસો બાદ આ પ્રમાણપત્ર બાળકના વાલીને મળે છે. તે જ રીતે કોઈનું મૃત્યુ થાય તો પહેલાં હૉસ્પિટલ તરફથી એક મૃત્યુની પાવતી મળે છે, તે બાદમાં પાલિકાના વિભાગીય કાર્યાલયમાં જમા કરાવવી પડે છે. જ્યાં મૃત્યુનો દાખલો તૈયાર થાય છે. લોકોના વારસાઈ કેસોથી માંડીને ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ, પાસપોર્ટ સહિતની અનેક કાર્યવાહીઓ અટકી પડી છે.


