કસ્ટમે પહેલાં સીટ નીચેથી પેકેટ શોધ્યું, પછી તે પ્રવાસીની શોધખોળ કરી
પેેકેટ લીધા વિના ગ્રીન ચેનલમાંથી બહાર પણ જતો રહ્યો, જોકે, એરપોર્ટ પરિસરમાંથી જ કસ્ટમ અધિકારીઓએ ઝડપી લીધો
મુંબઈ - મુંબઈ એરપોર્ટ કસ્ટમ્સ અધિકારીઓએ દુબઈથી આવી રહેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં એક પ્રવાસીની સીટ નીચે છુપાયેલું સોનું ભરેલું પેકેટ જપ્ત કર્યું છે. સીટ પર બેસેલા પ્રવાસીની ઓળખ કરવામાં આવી હતી અને ગ્રીન ચેનલ પાર કર્યા પછી તેને અટકાવવામાં આવ્યો હતો.રસપ્રદ વાત એ છે કે આ પેસેંજરને કસ્ટમ અધિકારીઓને કહ્યું કે દાણચોરી કરેલું સોનું વિમાનમાંથી કેવી રીતે બહાર કાઢવાનું એની તેને ખબર નહોતી.આથી તે પેકેટ લીધા વગર જતો રહ્યો, પરંતુ તે એરપોર્ટ પરિસરમાં કસ્ટમ્સ દ્વારા પકડાઈ ગયો હતો.
સાંગલીના રહેવાસી પ્રણવ પાટિલ (ઉ.વ.૨૮)ને પકડીને આ રેકેટમાં સામેલ તેના સાથીદારોની માહિતી મેળવવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કસ્ટમ્સ સૂત્રોના જણાવ્યા અનુસાર, એરલાઇન સુરક્ષા સ્ટાફ પાસેથી વિશ્વસનીય માહિતી મળી હતી કે દુબઈથી મુંબઈ આવી રહેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં પેસેન્જર સીટ નીચે કાળા રંગનું ટેપ કરેલું પેકેટ મળી આવ્યું હતું. તે મુજબ કસ્ટમ અધિકારીઓ વિમાનમાં ગયા અને સુરક્ષા અને એન્જિનિયરિંગ સ્ટાફની હાજરીમાં સીટ નીચેથી પેકેટ શોધી કાઢયું. જપ્ત કરાયેલા પેકેટમાં સોનું હોવાની શંકા હતી.
જપ્ત કરાયેલ પેકેટ કબજે કરવામાં આવ્યું હતું . દરમિયાન સીટ પર બેસેલા પ્રવાસી પ્રણવ પાટિલ કોઈપણ જાહેરાત કર્યા વિના ગ્રીન ચેનલ પાર કરી ગયા બાદ તેની ઓળખ કરવામાં આવી હતી.બાદમાં તેને અટકાવવામાં આવ્યો હતો. પ્રણવે જપ્ત કરાયેલ પેકેટ તેનું હોવાનું ઓળખી કાઢયું હતું.
પેકેટ ખોલતાં તેમાંથી ૨૪ કેરેટ સોનાની ડસ્ટ ધરાવતું એક પારદર્શક પાઉચ મળી આવ્યું હતું.જપ્ત કરાયેલા સોનાની ધૂળની કુલ કિંમત રૃ.૧.૭૭ કરોડ આંકવામાં આવી હતી.
કસ્ટમ્સને આપેલા નિવેદનમાં, પાટીલે સ્વીકાર્યું કે તેણે જપ્ત કરેલા સોનાની ઇરાદાપૂર્વક ભારતમાં દાણચોરી કરી હતી.પાટીલે કસ્ટમ્સને એમ પણ કહ્યું કે તેને ખબર નહોતી કે દાણચોરી કરેલું સોનું વિમાનમાંથી કેવી રીતે બહાર કાઢવું જોઈએ.આથી તે પેકેટ લીધા વગર જતો રહ્યો હતો..
જો આ મોડસ ઓપરેન્ડી પર નજર રાખવામાં ન આવે તો દાણચોરો દ્વારા આ મોડસ ઓપરેન્ડીનો મોટા પાયે ઉપયોગ થવાની શક્યતા છે, રાષ્ટ્રીય સુરક્ષા માટે હાનિકારક હોઈ શકે તેવી અન્ય પ્રતિબંધિત વસ્તુઓની દાણચોરી કરવા માટે પણ. સરકારી તિજોરીને ભારે નાણાકીય નુકસાન ટાળવા માટે આ મોડસ ઓપરેન્ડીને શરૃઆતમાં જ રોકવી જરૃરી છે. આ કેસમાં તપાસ પ્રાથમિક તબક્કામાં છે , એમ કસ્ટમ્સ સૂત્રએ જણાવ્યું હતું.


