મલાડમાં બંધાતી 23 માળની બિલ્ડિંગની ટોચેથી સ્લેબ ધરાશાયીઃ 3નાં મોત

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
મલાડમાં બંધાતી 23 માળની બિલ્ડિંગની ટોચેથી સ્લેબ ધરાશાયીઃ 3નાં મોત 1 - image


બિલ્ડર-કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધવાની માંગ સાથે સ્થાનિકોના દેખાવ

એસઆરએ પ્રોજેક્ટ હેઠળ બંધાતી બિલ્ડિંગમાં ભરબપોરે દુર્ઘટનાઃ અન્ય 3 શ્રમિકને કાટમાળ નીચેથી કાઢી હોસ્પિટલ ખસેડાયા

મુંબઇ :  મલાડ (પૂર્વ)માં આજે ૨૩ માળની બિલ્ડીંગના બાંધકામ દરમિયાન સ્લેબ તૂટી પડતા ત્રણ મજૂર મોતને ભેટયા હતા. જ્યારે અન્ય ત્રણને ઇજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે કાટમાળમાં અન્ય કોઇ મજૂર દબાયેલા છે કે કેમ એની તપાસ હાથધરી હતી.

મલાડ (પૂર્વ) સ્થિત ગોવિંદનગર  ખાતે ૨૩ માળની નવજીવન બિલ્ડીંગનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. ઝૂંપડપટ્ટી  પુનર્વસન યોજના હેઠળ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું. બિલ્ડીંગમાં આજે બપોરે ૧૨.૧૦ વાગ્યાની આસપાસ મજૂરો કામ કરી રહ્યા હતા. તે સમયે ૨૦ મા માળના સ્લેબનો અમૂક ભાગ ધરાશાયી થયો હતો. જેના લીધે છ મજૂર ગોપાલ બનીકા મોદી (ઉં.વ. ૩૨) સોહન જચીલ રોઠા (ઉં.વ. ૨૬), વિનોદ કેશવ સાડર (ઉં.વ. ૨૬), જલીલ રહીમ શેખ  (ઉં.વ. ૪૫), રુપસન ભદ્ર મામીણ (ઉં.વ. ૩૦), મોહમ્મદ સલામુદ્દીન શેખ (ઉં.વ. ૩૦), કાટમાળ નીચે દબાઇ ગયા હતા.

આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડના જવાનો અને પાલિકાના કર્મચારી બચાવ કામગીરી માટે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકો પણ મદદે આવ્યા હતા.  બિલ્ડીંગના કાટમાળ નીચે મજૂરોને બહાર કાઢીને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

પરંતુ ગોપાલ, સોહન, વિનોદનુ મોત નીપજ્યું હતું. બીજી તરફ ઇજાગ્રસ્ત મજૂરોની હાલત નાજુક હોવાની  અને મૃતકની સંખ્યા વધી શકે છે એમ કહેવાય છે. મુંબઇમાં અગાઉ પણ અનેક વખત આ પ્રકારની ઘટનાઓ બની છે એમાં મજૂરો અને અન્ય લોકોએ જીવ ગુમાવ્યો છે.

બિલ્ડીંગનો સ્લેબ તૂટી પડતા મજૂરોના મોતથી સ્થાનિક રહેવાસીઓ આક્રમક બન્યા હતા. તેમનણે પોલીસનો ઘેરાવ કર્યો હતો. આ બનાવ માટે બિલ્ડર અને કોન્ટ્રાક્ટર જવાબદાર હોવાનો આરોપ લોકોએ કર્યો હતો. બિલ્ડર અને કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધવાની માગણી કરી હતી. ત્યારબાદ લોકોને સમજાવવાનો પ્રયત્ન કરાયો હતો. બિલ્ડિંગના બાંધકામ વખતે મજૂરોની સુરક્ષા માટે જરૃરી  સાવચેતી રાખવામાં આવી ન હોવાનું કહેવાય છે.



Google NewsGoogle News