BMC ચૂંટણી પહેલા NDAમાં ખેંચતાણ! 'શિંદે'સેનાએ માંગી 100 બેઠકો, હવે શું કરશે ભાજપ?

| (IMAGE - IANS) |
BMC Elections: મુંબઈમાં યોજાનારી આગામી BMC ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. મહાયુતિ ગઠબંધનમાં બેઠકોની વહેંચણી અંગે ચર્ચા ચાલી રહી છે, ત્યારે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શિવસેના(શિંદે જૂથ) દ્વારા 90થી 100 બેઠકોની માંગણી કરવામાં આવી છે.
ઘણા વિસ્તારોમાં શિવસેનાનું પ્રભુત્વ
પક્ષના સૂત્રો અનુસાર, શિવસેનાનું કહેવું છે કે, 'મુંબઈના વિવિધ વૉર્ડમાં તેમનું સંગઠન મજબૂત છે. આ જ કારણોસર તેમણે BMCમાં વધુ બેઠકોની ફાળવણીની માંગ કરી છે.
શિવસેનાએ દાવો કર્યો છે કે, 'મહાલક્ષ્મીથી લઈને દાદર, વડાલા, અંધેરી અને પૂર્વીય ઉપનગરો સુધી, ઘણા વૉર્ડમાં શિવસેનાએ વર્ષોથી પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે.
BMC ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં
વર્ષ 2022માં પક્ષના બે જૂથોમાં વિભાજન થયા બાદ ભલે રાજકીય પરિસ્થિતિઓ બદલાઈ હોય, પરંતુ શિવસેનાના બંને જૂથો BMCમાં પોતાની તાકાત સાબિત કરવા માટે આક્રમક રીતે ચૂંટણીની તૈયારીઓમાં લાગેલા છે.
બેઠક વહેંચણી માટે '4+4' ફોર્મ્યુલા પર કામ કરી રહ્યું છે ગઠબંધન
BMC ચૂંટણીઓ માટે, મહાયુતિએ '4 + 4' ફોર્મ્યુલા અપનાવી છે. ભાજપ અને શિવસેના(શિંદે જૂથ)ના ચાર-ચાર વરિષ્ઠ પદાધિકારીઓ અને મહાયુતિના અન્ય સહયોગી પક્ષોના પ્રતિનિધિઓવાળી એક સંકલન સમિતિ વિગતવાર ટેકનિકલ વિશ્લેષણ પછી બેઠકોની વહેંચણીને અંતિમ સ્વરૂપ આપશે. જો કોઈ મતભેદ થશે, તો તેનું સમાધાન ટોચના નેતૃત્વ દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો: UNમાં ખૂલીને અફઘાનિસ્તાનના સમર્થનમાં આવ્યું ભારત, પાકિસ્તાનને તેની જ ભાષામાં આપ્યો જવાબ
BMC ચૂંટણી ક્યારે યોજાશે?
મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ઘણા વર્ષોથી પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય ચૂંટણી પંચને 31 જાન્યુઆરી, 2026 સુધીમાં આ ચૂંટણીઓ પૂરી કરવા માટેની અંતિમ સમયમર્યાદા આપી છે. રાજ્યભરના કુલ 685 સ્થાનિક એકમોની આ ચૂંટણીઓ ત્રણ તબક્કામાં યોજાય તેવી સંભાવના છે. મુંબઈ, પૂણે, થાણે વગેરે જેવા મોટા શહેરોના મહાનગરપાલિકાના ચૂંટણીઓ જાન્યુઆરી સુધીમાં અંતિમ તબક્કામાં યોજાય તેવી શક્યતા છે, જોકે તેની સત્તાવાર જાહેરાત હજી થઈ નથી.

