કુંભમેળાનાં ધીમાં કામો સામે સાધુ- સંતોની આંદોલનની ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ધ્વજારોહણ સમારોહને શાસકીય દરજ્જાની માગણી
કુંભમેળાને લગતી સરકારી મીટિંગોમાં સાધુસંતોની ઉપેક્ષાઃ કોઈ સૂચનો પણ સ્વીકારાતા નથી
મુંબઈ - નાસિક- ત્ર્યંબકેશ્વરમાં ૨૦૨૬- ૨૭ દરમ્યાન યોજાનારા સિંહસ્થ કુંભમેળાના વિવિધ કામો માટે સરકારે કરોડો રૃપિયાની ફાળવણી કર્યા છતાં અત્યંત ધીમી ગતિએ ચાલી રહેલા કામો સામે નારાજી વ્યક્ત કરીને સાધુ-સંતો તેમજ સ્થાનિકોએ ઉપવાસ- આંદોલન શરૃ કરવાની ચેતવણી આપી છે.
સ્વામી સોમેશ્વરાનંદ સરસ્વતી મહારાજે નાસિક અને ત્ર્યંબકેશ્વરમાં અત્યંત મંથર ગતિએ કામો ચાલી રહ્યા છે એવો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કામની ઝડપ વધારવામાં નહીં આવે તો ઉપવાસ- આંદોલન શરૃ કરવામાં આવશે. અમે ચક્રતીર્થ પર થનારા ધ્વજારોહણ સમારોહને શાસકીય દરજ્જો આપવાની પણ માગણી કરી છે.
અખાડા પરિષદ અને સાધુ- સંતોનું કહેવું છે કે કુંભમેળા પ્રાધિકરણ અને પ્રશાસન દ્વારા યોજાતી મીટિંગોમાં તેમને સામેલ કરવામાં નહોતા આવ્યા અને સાધુ- સંતો દ્વારા કરવામાં આવેલા સૂચનો ધ્યાનમાં નથી લેવામાં આવ્યા.
બીજી તરફ કુંભમેળાને લગતી વ્યવસ્થા સંભાવતા પાલક પ્રધાન ગિરીશ મહાજને એવો દાવો કર્યો હતો કે સડકો પહોળી કરવાના, નવા રસ્તા- પુલ બાંધવાના તથા ઘાટોના નિર્માણ સહિતના ૩૪ હજાર કરોડના ઈન્ફ્રા- પ્રોજેક્ટસની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. સમયસર આ બધા કામો પૂરા કરવામાં આવશે.
નાસિક અને ત્ર્યંબેશ્વરમાં ઔપચારિક રીતે સિંહસ્થ કુંભમેળાનો આરંભ ૩૧મી ઓક્ટોબરે ધ્વજારોહણ સમારોહથી થશે.




