રોહિતે ક્રૂને કહ્યું હતું, આપણે બાળકોને હોસ્ટેજ બનાવવાનો સીન શૂટ કરવાનો છે

- વિડીયોગ્રાફર પાસે શૂટિંગના બહાને પાંચ લીટર પેટ્રો, ફટાકડા મગાવ્યા
- રોહિતના ઈરાદાનો ખ્યાલ આવી જતાં તરત જ વિરોધ કર્યો તો તેણે આંખમાં સ્પ્રે મારી ઘાયલ કરી દીધો
મુંબઈ : બાળકોને બંધક બનાવવાની પરિસ્થિતિનું શૂટિંગ કરવા જઈ રહ્યા હોવાનું રોહિત આર્યએ તેની ફિલ્મ ક્રૂને કહ્યું હતું. જો કે રોહિતે ખરેખર બાળકોને બંધક બનાવવાનું કાવતરૂં ઘડયું હોવાના તેમને કોઈ સંકેત આપ્યા નહોતા આમ તેએઓ રોહિતના આ ગુનાથી અજાણ હોવાનું જાણવા મળ્યું છે.
પવઈમાં આઈ સ્ટુડિયોમાં ૧૭ બાળકો સહિત ૧૯ જણને બંધક બનાવનાર રોહિત આપ્ય છેવટે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો. વીડિયોગ્રાફર રોહન આહેર ગત ૧૦ વર્ષથી આર્ય સાથે કામ કરે છે. તે ૩ કલાકની કમકમાટીભરી ઘટનાનો મુખ્ય સાક્ષી હતો. તેણે મીડિયા સમક્ષ આ ઘટનાનું વર્ણન કર્યું હતું.
રોહને આહેરે જણાવ્યું હતું કે આર્ય પવઈના એક સ્ટુડિયોમાં વેબ સિરીઝ માટે એડિશન લઈ રહ્યો હતો તે બુધવારે પૂર્ણ થઈ ગયું હતું. પરંતુ આર્યએ તેને એક દિવસ માટે લંબાવી દીધું હતું.
આહેરે આર્યના સ્વચ્છા મોનિટર અને લેટ્સ ચેન્જ પ્રોજકટ સહિતની પહેલ માટે ફિલ્મોનું શૂટિંગ કર્યું હતું.
આર્યએ બુધવારે તેને કહ્યું કે તેઓ બાળકો સાથે બંધક બનાવવાની પરિસ્થિતિનું શૂટિંગ કરવાના છે. આર્યએ તેને શૂટિંગ માટે પાંચ લિટર પેટ્રોલ અને ફટાકડા લાવવાનું પણ કહ્યું હતું. પરંતુ આહેરે તેની સૂચનાઓનું પાલન કર્યું નહીં. કેમ સ્ટુડિયોમાં બાળકો હતા.
આહેરે વધુમાં કહ્યું હતું. કે તે ગુરુવારે સવારે સ્ટુડિયો પહોંચ્યો હતો. ત્યારે એક સ્પોટ બોયએ તેને જણાવ્યું કે કોઈને ઉપરના માળ પર સ્ટુડિયોમાં જવાની મંજૂરી નથી. થોડા સમય પછી આર્ય પોતે નીચે આવ્યો હતો. અને કહ્યું કે તે આગનું એક દ્રશ્ય શૂટ કરવા માંગે છે. આ માટે તે રબરના સોલ્યુશનની બોટલો લાવ્યો છે. આર્યએ તેના સ્ટુડિયોના ગેટ અને તમામ પ્રવેશદ્વારો પર તાળા મારવાનું પણ કહ્યું હતું. ત્યારબાદ આર્યએ રબરનું સોલ્યુશન રેડયું અને બાળકોની સામે તેને આગ લગાવી હતી.
આથી આહેર અને અન્ય લોકો ડરી ગયા અને આમ ન કરવા કહ્યું હતું. જેના કારણે આર્ય ગુસ્સે થયો હતો. તેણે એર ગન ચલાવીને આહેરને દૂર રહેવા કહ્યું હતું. આહેરે જણાવ્યું હતું કે ત્યારબાદ તે ઉપર ગયો અને સ્ટુડિયોની કાચની બારી હથોડીથી તોડી નાંખી હતી.આમ તેણે અંદર રહેલા બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. એના હાથમાં ઈજા થઈ હતી. આર્યએ તેની આંખમાં સ્પ્રે મારતા તે સીડી પરથી નીચે પડી ગયો હતો.
રોહિતે રુચિતાને આમંત્રણ પાઠવ્યું હતું
રોહિત એકટ્રેસ રુચિતા જાધવને પણ બંધક બનાવવવાનો હતો
- અભિનેત્રીએ આરોપી સાથેની વોટસએપ ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યા
મુંબઇ : મરાઠી ફિલ્મ અભિનેત્રી રુચિતા જાધવ પણ કદાચ આરોપી રોહિત આર્યના નિશાન પર હતી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ખુલાસો કર્યો હતો કે આર્યએ થોડા દિવસ પહેલા તેને એક ફિલ્મ પ્રોજેક્ટના બહાને આમંત્રણ આપ્યું હતું.
અભિનેત્રી રુચિતાએ કહ્યું કે ગત ૪ ઓક્ટોબરના તેને રોહિત આર્ય નામની એક વ્યક્તિનો મેસેજ મળ્યો હતો તેણે પોતાને એક ફિલ્મ નિર્માતા તરીકે રજૂ કર્યો અને કહ્યું કે તે બંધકની પરિસ્થિતિ પર આધારિત ફિલ્મ બનાવી રહ્યો છે.
એક અભિનેત્રી તરીકે તેણે વાત ચાલુ રાખી હતી. પછી રોહિતે ૨૩ ઓક્ટોબરના તેને પૂછયું કે શું તે ૨૭,૨૮,૨૯ ઓક્ટોબરના મળી શકે છે. તેમણે ૨૮ ઓક્ટોબરના મુલાકાતનું આયોજન કર્યું હતું. રુચિતાએ કહ્યું કે ૨૭ ઓક્ટોબરે રોહિતે તેને પવઇના સ્યુડિયોના સ્થળનું લોકેશન મોકલ્યું હતું અને બીજા દિવસે સવારે આવવા કહ્યું હતું. જો કે કૌટુંબિક કારણોસર તેણે મીટિંગ રદ કરી હતી.
ટીવીમાં સમાચાર જોયા અને પવઇમાં બાળકોને બંધક બનાવનારા રોહિત આર્યના એન્કાઉન્ટરની જાણ થઇ ત્યારે ચોંકી ગઇ હતી. રુચિતાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે જ્યારે મેં તેનું નામ જોયું ત્યારે હચમચી ગઇ હતી. જો હું ત્યાં ગઇ હોત તો શું થયું હોત તે વિચારે ધુ્રજી જાઉં છું. ભગવાન અને મારા પરિવારનો આભાર કે બચી ગઇ છું.
રોહિતે પોલીસને રોકવા મોશન ડિટેક્શન સેન્સર લગાવ્યાં હતાં
મુંબઇ : પવઇમાં સ્ટુડિયોમાં ૧૭ બાળકો અને બે પુખ્ત વયના લોકોને બંધક બનાવનાર રોહિત આર્યએ પોતાના બચવા માટે બારીઓ અને દરવાજા પર મોશન ડિટેકશન સેન્સર લગાવ્યા હતા. તેમજ સીસીટીવી કેમેરામાં ઝડપાય ન જવાય અને પુરાવા ન મળે માટે એક દિશામાં ફેરવી દીધા હતા. એમ એક અધિકારીએ શુક્રવારે જણાવ્યુ ંહતું.
પવઇમાં સ્ટુડિયોમાં ગઇકાલે રોહિત આર્યએ એક વેબ સિરીઝના ઓડિશનના બહાને ૧૦ થી ૧૮ વર્ષના છોકરા અને છોકરીને બોલાવ્યા હતા. પછી તેમને બંધક બનાવી દીધા હતા. પોલીસે કલાકોના ઓપરેશન બાદ રોહિતનું એન્કાઉન્ટર કરી ૧૯ જણને બચાવી લીધા હતા.
પોલીસને પ્રવેશના અટકાવવા માટે રોહિતે બધા દરવાજા અને બારીઓ પર મોશન ડિટેકશન સેન્સર લગાવ્યા હતા. તેણે બધા સીસીટીવી કેમેરા પણ એક દિશામાં ફેરવી દીધા હતા. જેથી એમાંથી કંઇ શોધી ન શકાય પોલીસની ટીમ બાથરૂમમાંથી અંદર ઘૂસી ત્યારે સેન્સર જોવા મળ્યા હતા. એમ અધિકારીએ જણાવ્યું હતું.
આર્ય બપોરે લગભગ ૧૨ વાગ્યે આરએ સ્ટુડિયોમાં આવ્યો અને લગભગ એક કલાક પછી હોલને તાળું મારીને બાળકોને બંધક બનાવ્યા હતા.
હોલની કાચની બારીમાંથી કેટલાક બાળકો બૂમો પાડતા હતા. અને મદદ માટે ઇશારો કરતા હોવાથી જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ અને આર્ય વચ્ચે બેકલાક સુધી વાતચીત ચાલું રહી હતી. પરંતુ તે કોઇ વાત માનવા તૈયાર નહોતો. છેવટે ફાયરબ્રિગેડની મદદથી બાથરૂમની બારી તોડી નાખી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણ પોલીસ કર્મચારીઓ તૂટેલી બારીમાંથી હોલમાં પ્રવેશ્યા હતા. ત્યારે આર્યએ તેમના પર એરગન તાકી અને ફાયર શરૂ કરી હતી. એક પોલીસ ઇન્સ્પેકટરે સ્વબચાવમાં સામે ગોળીબાર કર્યો હતો આર્યની છાતીમાં ગોળી વાગી હતી. ઇજાગ્રસ્ત આર્યને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો પરંતુ તેનું મૃત્યુ થયું હતું.
પોલીસે ઘટનાસ્થળેથી એરગન, પેટ્રોલ, જવલનશીલ રબર સોલ્યુશન અને લાઇટર જપ્ત કર્યા છે.પોલીસે આર્ય સામે હત્યાનો પ્રયાસ, અપહરણ, અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
આ કેસની તપાસ ક્રાઇમબ્રાન્ચને સોંપવામાં આવી છે. જ્યારે જપ્ત કરાયેલી વસ્તુ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે, એવી માહિતી અધિકારીએ આપી હતી.

