ત્રિશા સાથે રેપ સીન ન મળ્યો તેનો અફસોસઃ મન્સુરના નિવેદનથી વિવાદ
Updated: Nov 19th, 2023
- લિયો ફિલ્મના કલાકારની હિરોઈન માટેની ટિપ્પણીથી હોબાળો
- હું તો મજાક કરતો હતો, મારે લોકસભા લડવાનું છે એટલે વિવાદ બનાવાયો તેવો મન્સૂરનો બચાવ
- ત્રિશા ઉપરાંત ફિલ્મના ડાયરેક્ટર સહિતના સેલેબ્સનો વિરોધ, તમિલ ઈન્ડસ્ટ્રીએ પ્રતિબંધ મૂક્યો, મહિલા પંચમાં પગલાંની દરખાસ્ત
મુંબઈ: સાઉથની ફિલ્મ 'લિયો'માં નેગેટિવ ભૂમિકા ભજવનારા કલાકાર મન્સૂર અલી ખાને પોતાને આ ફિલ્મમાં સ્ક્રીન પર હિરોઈન ત્રિશા પર રેપનો સીન ભજવવા ન મળ્યો તેનો અફસોસ જાહેર કરતું નિવેદન આપતાં ભારે હોબાળો મચી ગયો છે. ત્રિશા, ફિલ્મના ડાયરેક્ટર લોકેશ કનગરાજ સહિત સંખ્યાબંધ સેલિબ્રિટીઓએ આ નિવેદનને સેક્સિસ્ટ, વિકૃત અને પુરુષવાદી ગણાવી ભારે ફિટકારની લાગણી વરસાવી છે. તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં કેટલાંક સંગઠનોએ મન્સુરને હવે પછી કોઈ કામ આપવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. તેની સામે પગલાં ભરવા માટે રાષ્ટ્રીય મહિલા પંચને પણ દરખાસ્ત કરી દેવામાં આવી છે.
થલપતિ વિજય અને ત્રિશાની ફિલ્મ 'લિઓ' તાજેતરમાં જ રીલીઝ થઈ હતી. આ ફિલ્મમાં નેગેટિવ ભૂમિકા ભજવનારા કલાકાર મન્સુર અલી ખાને એક મીડિયા સંવાદમાં એવું કહ્યું હતું કે પોતાને ફિલ્મમાં ત્રિશા સાથે રેપ સીન ભજવવા ન મળ્યો તેનો અફસોસ છે. મન્સુરે કહ્યું હતું કે મને જ્યારે ખબર પડી કે આ ફિલ્મમાં ત્રિશા પણ સહકલાકાર છે ત્યારે મને આશા હતી કે ફિલ્મમાં એકાદો બેડરુમ સીન તો હશે જ. હું ત્રિશાને બેડરુમમાં લઈ જઈ શકીશ. મેં આ પહેલાં પણ કેટલીય ફિલ્મોમાં બીજી જાણીતી હિરોઈનો સાથે રેપ સીન કર્યા છે તો મને હતું કે મને અહીં પણ ચાન્સ મળશે. પરંતુ, કાશ્મીરનાં શિડયૂલમાં આ લોકોએ મને ત્રિશાની ઝલક પણ મેળવવા દીધી ન હતી. મન્સુરની આ ભદ્દી ટિપ્પણીથી ત્રિશા ભારે છંછેડાઈ હતી. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે આ કોમેન્ટ સેક્સિસ્ટ, બહુ ગંદી માનસિકતા ધરાવતી, મહિલાવિરોધી, અપમાનજનક અને ધૃણાસ્પદ છે. મને ભારે ગુસ્સો આવ્યો છે. સારું છે કે આ માણસ સાથે મારે સ્ક્રીન શેર કરવી પડી નથી અને ભવિષ્યમાં પણ હું ધ્યાન રાખીશ કે મારે તેની સાથે સ્ક્રીન શેર ન કરવી પડે. મન્સૂરે આ સંવાદમાં ખુશ્બુ અને રોજા એમ બીજી બે હિરોઈનો માટે પણ આવી જ વિકૃત ટિપ્પણી કરી હતી.
બીજી તરફ મન્સૂરે બચાવ કર્યો છે કે પોતાનાં નિવેદનને ખોટી રીતે એડિટ કરીને રજૂ કરવામાં આવ્યું છે. મારી વ્યવસાયિક તથા રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવા આવું કરાયું છે. મેં સામાન્ય મજાક કરી હતી પરંતુ હું લોકસભાની આગામી ચૂંટણી લડવાનો છું એટલે આ વિવાદ ઊભો કરાયો છું. મારી દીકરી પણ ત્રિશાની ફેન છે.