વીર સાવરકર બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને જામીન અપાયા
પુણેની કોર્ટમાં ચાલતા કેસમાં જામીન
વિડિયો કોન્ફરન્સથી હાજરી આપ્યા બાદ કાયમી હાજરીમાંથી મુક્તિ અપાઈ
મુંબઈ - સ્વાતંત્ર્ય સૈનાની વીર સાવરકરની હિન્દુત્વ વિચારધારા અંગેના કથિત વાંધાજનક નિવેદન સંબંધે કરાયેલા બદનક્ષીના કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પુણેની સ્પેશ્યલ કોર્ટે જામીન આપ્યા હતા.
સાંસદ અને ધારાસભ્ય સામેના કેસ હાથ ધરતી વિશેષ કોર્ટે રૃ. ૨૫ હજારની શ્યોરિટી પર જામીન મંજૂર કર્યા હતા. રાહુલ ગાંધીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટ સમક્ષ હાજરી નોંધાવી હતી. વરિષ્ઠ કોંગ્રેસી નેતા મોહન જોશી કોર્ટ સમક્ષ શ્યોરિટી તરીકે હાજર રહ્યા હતા. કોર્ટે ગાંધીને હાજર રહેવામાંથી કાયમી મુક્તિ પણ આપી હોવાનું તેમના વકિલ મિલિન્દ પવારે જણાવ્યું હતું. કેસની સુનાવણી હવે ૧૮ ફેબુ્રઆરી પર રખાઈ છે.
સાવરકરના ભાઈના પ્રપૌત્રે કરેલી ફરિયાદ પર કેસ થયો હતો. લંડનમાં માર્ચ ૨૦૨૩માં ગાંધીને આપેલા ભાષણમાં સાવરકરના પુસ્તકને ટાંકીને કથિત વાંધાજનક ટિપ્પણી કરી હતી.