6ઠ્ઠ પૂજામાં ખોવાયેલાં 164 બાળકો પોલીસે શોધી આપ્યાં
Updated: Nov 21st, 2023
જૂહુ, વરસોવા, સાંતાક્રુઝમાં ઘટનાઓ
બાળકોને શોધી સ્થાનિક કન્ટ્રોલ રુમમાં લાવી પરિવાર સાથે પુનર્મિલન કરાવાયું
મુંબઈ : છઠ પૂજાની ઉજવણી દરમિયાન શહેરના વિવિધ સી- ફ્રન્ટસ પરથી ગુમ થયેલા ૧૬૪ બાળકોને મુંબઈ પોલીસે ફક્ત ૧૨ કલાકમાં શોધી કાઢી તેમનું પુનર્મિલન તેમના પરિવાર સાથે કરાવ્યું હતું.
આ બાબતે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ બાળકો ૩થી ૧૩ વય જૂથના હતા અને જુહુ, વર્સોવા અને સાંતાક્રુઝના દરિયા કિનારા પરથી ગુમ થઈ ગયા હતા. કારણ કે રવિવાર સાંજથી સોમવાર સવાર સુધીના સમય ગાળામાં અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું અને આ ધસારામાં બાળકો છૂટા પડી ગયા હતા.
મુંબઈના ઘણા રહેવાસીઓ અને થાણે તેમજ પાલઘર જિલ્લાના વિસ્તૃત ઉપનગરોમાંથી આવેલા લોકો સૂર્ય નારાયણની પૂજા સહિત ધાર્મિક વિધિઓ કરવા માટે મોટી સંખ્યામાં દરિયા કિનારે ભેગા થયા હતા. છઠ પૂજાનો તહેવાર મુખ્યત્વે બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને નેપાળના કેટલાક ભાગના વતનીઓ દ્વારા ઉજવવામાં આવે છે.
એક અધિકારીના જણાવ્યાનુસાર જુહુ, વર્સોવા, સાંતાક્રુઝમાં છઠ પૂજાના કાર્યક્રમમાં સાડા ત્રણ લાખથી પણ વધુ ભક્તોએ હાજરી આપી હતી. આ ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે જરૃરી વ્યવસ્થા કરી હતી. પોલીસ કન્ટ્રોલ રૃમને સાંતાક્રુઝમાંથી ૮૮, જુહુમાંથી ૭૫ અને વર્સોવા બીચ પર સાગર કુટીરમાંથી એક બાળક ગુમ થયાની માહિતી મળી હતી.
તમામ ૧૬૪ ગુમ થયેલા બાળકોને શોધી કાઢી સ્થાનિક કન્ટ્રોલ રૃમમાં લાવવામાં આવ્યા હતા. આ બાળકોની ઓળખ સ્થાપિતકર્યા બાદ તેમનું મિલન તેમના પરિવારજનો સાથે કરવામાં આવ્યું હતું.