Mumbai

બેસ્ટની હડતાલથી મુંબઈ બેહાલ, હજારો લોકો દિવસભર રસ્તાઓ પર રઝળ્યા

By GS Team
20 Jun 20263 mins read
બેસ્ટની હડતાલથી મુંબઈ બેહાલ, હજારો લોકો દિવસભર રસ્તાઓ પર  રઝળ્યા

રિક્ષા ટેક્સીવાળાઓને ઘી કેળાં, મેટ્રો હાઉસફૂલ થઈ ગઈ

૨૭૬૬ માંથી  ફક્ત ૩૨ બસ સવારે રસ્તા પર આવી  તે પણ પથ્થરમારો  થયા બાદ પરત, મેસ્મા ધારાનો આદેશ બુઠ્ઠો પુરવાર  થયો, કોર્ટની મનાઈનો પણ અનાદર

રિક્ષા-ટેકસી સ્ટેન્ડો પર લાંબી લાંબી લાઈનો , અસંખ્ય લોકો  માર્ગો  પર ચાલતા  જનીકળ્યાઃ દિવસોથી અગાઉથી એલાન છતાં તંત્ર ઈમરજન્સી  સમજવામાં  નિષ્ફળ

મુંબઈલોકલ ટ્રેનો પછી મુંબઈની બીજી મહત્વની લાઈફલાઈન એવી બેસ્ટ બસ સેવા આજે ૪૮ ે ેહજાર કર્મચારીઓનું  પ્રતિનિધિત્વ  કરતાં ૧૨  કર્મચારી સંગઠનોની સંયુક્ત હડતાલને કારણે ખોરવાઈ ગઈ હતી. ગઈ મધરાતથી  જ બેસ્ટ કર્મચારીઓએ  બસો  થંભાવી  દેતાં આજે વહેલી સવારથી હજારો લોકો રઝળી  પડયા હતા. અનેક લોકો સમયસર  ઓફિસ કે નોકરી ધંધા  પર પહોંચી શક્યા ન હતા. હડતાલનો લાભ લઈ રિક્ષા તથા ટેક્સીવાળાઓએ મનફાવે  તેવા દામ પડાવ્યા હતા. અસંખ્ય લોકોએ લૂંટનો ભોગ બનવાને  બદલે લાંબાં  અંતર સુધી ચાલી નાખવાની મજબૂરી વેઠી લીધી  હતી. 

બેસ્ટની કુલ ૨૭૬૬ બસમાંથી આજે  ફક્ત ૩૨ જ બસ સવારે  રસ્તા  પર આવી હતી.  જોકે, કર્મચારીઓ  દ્વારા ચક્કાજામ  થતાં તથા  પથ્થરમારા  સહિતની  ઘટનાઓ થતાં આ બસો પણ પાછી  વાળી લેવામાં આવી હતી. બેસ્ટના તમામ ડેપો પર તથા આસપાસમાં બસો પાર્ક થઈ ગઈ હતી.

આ હડતાલની  દિવસો અગાઉથી ચિમકી અપાઈ  ગઈ હતી. છતાં તંત્ર ઈમરજન્સીનાં પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું હતું. હડતાલ સામે આવશ્યક ધારો મેસ્મા લાગુ પાડવાની  ચિમકી આપીને તંત્ર બેસી રહ્યું હતું. ગઈકાલે તો ઈન્ડસ્ટ્રીયલ કોર્ટે પણ કર્મચારી સંગઠનોને હડતાલ પર નહિ જવા  જણાવ્યુ ંહતું. છતાં  પણ સંગઠનો મક્કમ રહ્યાં હતાં.

રોજ ૩૦ લાખથી વધુ લોકો બેસ્ટમાં  પ્રવાસ કરે છે. આજે સવારથી જ આ હડતાલ વિશે  અજાણ મુંબઈગરાં નજીકના બસ સ્ટેશન પર પહોંચી ગયા હતા. જોકે, લાંબા  સમય સુધી બસો નહીં આવતાં  તેમને ગરબડનો ખ્યાલ આવી ગયો હતો. કેટલાય લોકોએ ખાનગી એપ ચેક કરીને તપાસ્યું હતું કે મેપમાં ક્યાંય દૂર દૂર સુધી બસો દેખાતી જ નથી. બસ સ્ટેશનો આસપાસ જ મંડરાતા રિક્ષાવાળાઓ તથા ટેક્સીવાળાઓએ આજ હડતાલ  હોવાની  વાત પ્રસરાવી હતી.

સીએસએમટી, દાદર, અંધેરી એમઆઈડીસીબીકેસી જવા  માટેનાં કુર્લા તથા બાંદ્રા ઈસ્ટનાં  બસ સ્ટેશનો, સાકીનાકા, મુંબઈ સેન્ટ્રલ સહિત કેટલાંય સ્થળે  બેસ્ટના  સ્ટોપ આસપાસ જોતજોતામાં જ લોકોએ રિક્ષા કે ટેક્સી  માટે લાંબી  લાંબી લાઈનો લગાવવા માંડી હતી. પરિસ્થિતિ પારખીને આજે  રિક્ષા તથા ટેક્સી ચાલકોએ શેરિંગના વધુ પૈસા વસૂલ્યા હતા. રોજ કામ ધંધા પર જતા  લોકો માટે નજીકનાં  સ્ટેશન સુધી પહોંચવા  લાસ્ટ માઈલ કનેક્ટિવિટી તરીકે  બેસ્ટ સૌથી  સુલભ અને સસ્તું સાધન છે.  પરંતુ તે ઠપ થતાં અનેક લોકો પોતાના ટાઈમે લોકલ પકડી શક્યા ન હતા અને તેના કારણે તેઓ સમયસર નોકરી ધંધા  પર  પહોંચી શક્યા ન હતા.

બીજી તરફ રોજ અસહ્ય ભીડ ધરાવતી મુંબઈ-અંધેરી મેટ્રો  વનમાં  આજે ભીડ બેકાબુ બની ગઈ હતી. આ ઉપરાંત ભૂગર્ભ મેટ્રો થ્રીનાં સીએસએમટી સહિતનાં સ્ટેશનોએ લાંબી કતારો જોવા  મળી હતી. અંધેરી-દહિસર વચ્ચે દોડતી મેટ્રો સેવાઓમાં પણ ભીડ જોવા મળી હતી.

અસંખ્ય લોકોએ ફરિયાદ કરી હતી કે એપ આધારિત કેબ સેવાઓમાં પણ આજે સામાન્ય કરતાં વધુ દર વસૂલાયા હતા. કેટલાક લોકોએ નાછૂટકે પોતનાં ટુ વ્હીલર કે અન્ય મિત્રો કે પડોશીઓનાં  વાહનમાં લિફ્ટ મેળવી  હતી. કેટલાંક સ્થળે  સ્કૂૂલ બસ તથા અન્ય ખાનગી  કંપનીઓની સ્ટાફ બસ પણ પ્રવાસીઓની વ્હારે આવી હતી.