VIDEO: મુંબઈમાં 24 માળની બિલ્ડિંગમાં આગ, એકનું મોત; 18 ઈજાગ્રસ્ત
Mumbai Dahisar Fire : મુંબઈના દહિસર વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગના 24માં માળ પર આજે રવિવારે (7 સપ્ટેમ્બર) બપોરે 3 વાગ્યે આગની ઘટના બની હતી. આગ લાગવાની દુર્ઘટનાને લઈને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. જેમાં ફાયર વિભાગે મહિલા, બાળકો સહિત કુલ 36 લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. જ્યારે ત્રણ કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે, આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, મુંબઈના દહિસરમાં આગના બનાવને લઈને અફરાતફરી સર્જાઈ હતી. બિલ્ડિંગના 24માં માળે આગ લાગતા ફાયર વિભાગની સાત ગાડીઓ સ્થળ પર આવી પહોંચી હતી. મુંબઈ મ્યુનિસિપલ ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, આગના બનાવી જાણ થતાં ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં બિલ્ડિંગમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
એક મહિલાનું મોત
સમગ્ર ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવારે અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં રોહિત હોસ્પિટલમાં એક મહિલાનું મોત નીપજ્યું છે, એક દિવ્યાંગ યુવતીની હાલત ગંભીર છે અને અન્ય 5 લોકો સારવાર હેઠળ છે. તેમજ નોર્ધન કેર હોસ્પિટલમાં 10 લોકોને દાખલ કરાયા છે, જેમાંથી એક 4 વર્ષનો બાળક ગંભીર સ્થિતિમાં છે. જ્યારે પ્રગતિ અને શતાબ્દી હોસ્પિટલમાં એક-એક વ્યક્તિ દાખલ છે.
આ પણ વાંચો: BIG NEWS | માઉન્ટ આબુમાં ભૂસ્ખલન, રસ્તો ધસી પડતાં ભારે વાહનો પર પ્રતિબંધ
દહિસર પોલીસ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા લોકો પાસેથી જાણકારી મેળવી રહ્યા છે. જ્યારે પોલીસે કયાં કારણોસર આગ લાગી છે, તે દિશામાં તપાસ હાથ ધરી છે. સમયસર ઈમરજન્સી સુવિધા મળી રહેતાં કોઈ મોટી જાનહાનિ તઈ ન હતી.