Get The App

રિવર્સ લેતા સમયે બસે અનેક લોકોને કચડ્યાં! 4ના મોત, 9 ઈજાગ્રસ્ત; મુંબઈના ભાંડુપમાં મોટી દુર્ઘટના

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
Bhandup Best Bus Accident


(IMAGE - U

Bhandup Best Bus Accident: આર્થિક રાજધાની મુંબઈના ભાંડુપ રેલવે સ્ટેશન પાસે સોમવારે રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. BEST (બેસ્ટ)ની એક બસે રિવર્સ લેતી વખતે કાબૂ ગુમાવતા અનેક લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં 4 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?

આ અકસ્માત 29 ડિસેમ્બરના રોજ રાત્રે આશરે 10:05 વાગ્યે ભાંડુપ (પશ્ચિમ) સ્ટેશન રોડ પર બન્યો હતો. પ્રારંભિક માહિતી મુજબ, બસ ડ્રાઈવર બસ રિવર્સ લઈ રહ્યો હતો ત્યારે અચાનક બસ ત્યાં હાજર રાહદારીઓ પર ફરી વળી હતી. અકસ્માતને પગલે સ્ટેશન રોડ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, મુંબઈ પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

4નાં મોત, ડ્રાઈવર પોલીસ કસ્ટડીમાં

ડીસીપી હેમરાજ સિંહ રાજપૂતે ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, 'આ અકસ્માતમાં કુલ 13 રાહદારીઓ ભોગ બન્યા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. દુર્ભાગ્યવશ, 4 લોકોના મોત થયા છે, જેમાં ત્રણ મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે." હાલમાં બસ ડ્રાઈવર પોલીસ કસ્ટડીમાં છે અને બસમાં કોઈ ટેકનિકલ ખામી હતી કે કેમ તેની તપાસ માટે મિકેનિકલ ઇન્સ્પેક્શન કરવામાં આવશે.

BEST તંત્ર સામે ગંભીર સવાલો

જનતા દળ (નોર્થ-ઈસ્ટ મુંબઈ)ના અધ્યક્ષ સંજીવ કુમાર સદાનંદે ભાંડુપ અકસ્માત મામલે BEST પ્રશાસન અને કમિટી પર ગંભીર બેદરકારીના આક્ષેપો કરતા આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે આ બસના મોડલમાં પહેલેથી જ 'ડિઝાઇન ફોલ્ટ' હોવાની આશંકા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી, એટલું જ નહીં, ભૂતકાળમાં આ પ્રકારની બસોમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટનાઓ બનતા ભાંડુપમાં તેનો ભારે વિરોધ પણ થયો હતો. 

આ પણ વાંચો: મુંબઈમાં સોમવારે રાફડો ફાટયો, 350 ફોર્મ ભરાયાં

સદાનંદે વધુમાં જણાવ્યું કે સ્થાનિકોના વાંધા છતાં ચાલતી નાની બસો બંધ કરીને આ નવી ખામીયુક્ત બસોને મંજૂરી આપનારા કમિટી મેમ્બરો સામે કડક તપાસ થવી જોઈએ. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે ભાંડુપના નિર્દોષ નાગરિકોના મોતની જવાબદારી કોણ લેશે—BEST વિભાગ કે પછી તેને પાસ કરનાર ચેરમેન?

તંત્ર દ્વારા તપાસ તેજ

હાલમાં પોલીસ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘાયલોની હાલત પર તબીબો સતત નજર રાખી રહ્યા છે અને અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે.

રિવર્સ લેતા સમયે બસે અનેક લોકોને કચડ્યાં! 4ના મોત, 9 ઈજાગ્રસ્ત; મુંબઈના ભાંડુપમાં મોટી દુર્ઘટના 2 - image