અત્યાર સુધીમાં કુલ ૪૦૧ ઉમેદવાર
અનેક મુખ્ય પક્ષોના ઉમેદવારાએ વાજતેગાજતે ફોર્મ ભર્યાં, આજે છેલ્લો દિવસે
મુંબઈ - મુંબઈ મહાપાલિકા ચૂંટણી માટે અત્યાર સુધી ફોર્મ ભરાવામાં જોવા મળતી સુસ્તીના સ્થાને આજે રિટર્નિંગ અધિકારીઓનાં કાર્યાલયો ધમધમી ઉઠયાં હતાં. તમામ મુખ્ય પક્ષો દ્વારા તેમના ઉમેદવારોને ફોર્મ ભરવાની સૂચનાઓ આપવાનું ગઈકાલ સાંજથી શરુ થયા બાદ આજે એક જ દિવસમાં કુલ ૩૫૭ ફોર્મ ભરાયાં હતાં.
આ સાથે ઉમેદવારીપત્રો ભરાવાની કુલ સંખ્યા ૪૦૧ થઈ છે. આજે વધુ ૧૨૨૫ ફોર્મનો ઉપાડ પણ થયો હતો.
હવે આવતીકાલે ફોર્મ ભરાવાનો છેલ્લો દિવસ હોવાથી મુખ્ય પક્ષોના ઉમેદવારો ઉપરાંત બળવાખોરો સહિતના અપક્ષો આવતીકાલે મોટી સંખ્યામાં ફોર્મ ભરવા ઉમટી પડે તેવી ધારણા છે.
ગઈકાલે જેમને પક્ષ તરફથી સૂચનાઓ મળી હતી તેવા ઉમેદવારોએ સોશિયલ મીડિયા પર જ પોતે ફોર્મ ભરવા જવાના હોવાની સૂચનાઓ મૂકવા માંડી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં આજે ઉમેદવારો સમર્થકોના ટોળાં સાથે ફોર્મ ભરવા નીકળ્યા હતા. તેના કારણે રિટર્નિંગ અધિકારીઓની ઓફિસો બહાર ટ્રાફિક જામનાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં.
કેટલાય ઉમેદવારો રેલી સ્વરુપે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. તો ચૂંટણી ખર્ચમાં ગણતરી ટાળવા માટે કેટલાક ઉમેદવારોએ ચુનંદા સમર્થકો કે પરિવારજનો સાથે જઈ ફોર્મ ભરવાનું પસંદ કર્યું હતું.
અનેક પક્ષોએ ઉમેદવારોની યાદીઓ જાહેર કરવાને બદલે ઉમેદવારોને સીધા ફોર્મ ભરવા સૂચના આપી હોવાથી પોતાના વોર્ડમાં કોને ઉમેદવારી મળી છે તે જાણવા ઉત્સુક લોકો પણ ચૂંટણી અધિકારીઓની ઓફિસે પહોંચ્યા હતા.
રિટર્નિંગ અધિકારીઓની ઓફિસો બહાર હરીફ ઉમેદવારોના સમર્થકો દ્વારા સામસામા સૂત્રોચ્ચાર સાથે રાજકીય ઉત્તેજના પણ વ્યાપેલી જોવા મળી હતી. દરમિયાન, તમામ ૨૩ રિટર્નિંગ અધિકારીઓની ઓફિસો બહાર જંગી માત્રામાં પોલીસ ખડકી દેવામાં આવી હતી. આ ઉપરાંત આડશો બાંધી ટ્રાફિક નિયંત્રણો પણ લાદી દેવામાં આવ્યાં હતાં. આવતીકાલે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે અનેકગણા ઉમેદવારો ઉમટી પડે તેવી ધારણા હોવાથી પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.


