Mumbai

યુપીમાં ફેક્ટરીનો પર્દાફાશ કરી ૧૩૯ કરોડનું એમડી ડ્રગ જપ્ત

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
નાલાસોપારા ડ્રગ કેસનું પગેરું કચ્છ બાદ યુપી પણ પહોંચ્યું છે. MBVV પોલીસે પ્રયાગરાજમાં MD બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો. પોલીસે 139 કરોડ રૂપિયાનું 69.759 કિલો MD જપ્ત કરી ફેક્ટરીનો નાશ કર્યો. છ મહિનાથી ચાલતી ફેક્ટરી દ્વારા 300 કિલો ડ્રગનું વેચાણ થયું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 21 આરોપીઓની ધરપકડ થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુપીમાં ફેક્ટરીનો પર્દાફાશ કરી ૧૩૯ કરોડનું એમડી ડ્રગ જપ્ત

નાલાસોપારામાં ડ્રગ કેસનું  પગેરું કચ્છ બાદ યુપી પણ પહોંચ્યું

એમબીવીવી પોલીસે પ્રયાગરાજ પહોંચી  ફેક્ટરીનો નાશ કર્યોઃ  છ મહિનાથી ચાલતી ફેક્ટરી દ્વારા ૩૦૦ કિલો ડ્રગનું વેચાણ ઃ  અત્યાર  સુધીમાં કુલ ૨૧ની ધરપકડ

મુંબઈ -  મીરા ભાયંદર-વસઈ વિરાર પોલીસ કમિશનરેટની ક્રાઈમ બ્રાન્ચ-ચાર ની ટીમે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે એમડી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ  કર્યો હતો. પોલીસની ટીમે દરોડો પાડી કુલ ૬૯ કિલો ૭૫૯ ગ્રામ એમડી, જેની અંદાજિત કિંમત ૧૩૯ કરોડ રૃપિયા હોવાનું જણાવાયું છે, જપ્ત કરી ફેક્ટરીનો નાશ કરવામાં આવ્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં ૨૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

જૂન મહિનામાં નાલાસોપારાના તુલીંજ પોલીસ સ્ટેશનની હદમાં એમડી વેચતી વખતે બે આરોપીઓ ઝડપાયા હતા. ત્યારબાદ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ-૪ને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન ડ્રગ્સના કારોબાર પાછળ આંતરરાજ્ય ગેંગ સક્રિય હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસ તપાસમાં આરોપીઓએ ગુજરાતના કચ્છમાં ખેતરમાં એમડી બનાવવાની ફેક્ટરી ઉભી કરી હોવાનું સામે આવ્યું હતું. જોકે, પોલીસ કાર્યવાહી કરે તે પહેલાં આરોપીઓએ ફેક્ટરીનો નાશ કરી દીધો હતો. ત્યારબાદ તપાસનો દોર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના માંડા વિસ્તાર સુધી પહોંચ્યો હતો. ત્યાં એક ખેતરમાં એમડી બનાવતી બીજી ફેક્ટરી હોવાની માહિતી મળતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડયો હતો. કાર્યવાહી દરમિયાન ત્યાંથી  બાવન  કિલો એમડી  ડ્રગ મળી આવ્યું હતું.

પોલીસ કમિશનર નિકેત કૌશિકના જણાવ્યા મુજબ, આ ફેક્ટરી છેલ્લા છ મહિનાથી કાર્યરત હતી અને આરોપીઓ અત્યાર સુધીમાં અંદાજે ૩૦૦ કિલો એમડીનું વેચાણ કરી ચૂક્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ-૪ના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પ્રમોદ બડાખે જણાવ્યું હતું કે, ગેંગના મોટાભાગના આરોપીઓ ઉચ્ચ શિક્ષિત છે અને તેઓ પાંચથી છ રાજ્યોમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા હતા. આંતરરાજ્ય સ્તરે ફેલાયેલા આ ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થતાં પોલીસ તપાસ હવે આરોપીઓના સપ્લાય નેટવર્ક, નાણાકીય વ્યવહારો અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે આગળ ધપાવવામાં આવી રહી છે.