Mumbai

લોકલ ટ્રેનમાં મયંકની હત્યા થઈ છે, વળતર રુપે રેલવે નોકરી આપે

By GS Team
27 Jun 20264 mins read
TukuTouch Logo
મુંબઈ: લોકલ ટ્રેનમાં છરીના હુમલામાં મૃત્યુ પામેલા 22 વર્ષીય મયંક લોહારના વિરારમાં શોકમય માહોલમાં અંતિમ સંસ્કાર કરાયા. પાણીપતથી દાદા આવ્યા બાદ પરિવારે ન્યાયની માંગ કરી. મયંકના હત્યારા રોશન સુવર્ણાને ફાંસી અને કેસ ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ચલાવી પરિવારના સભ્યને રેલવેમાં નોકરી આપવાની માંગણી કરાઈ. રેલવે પોલીસે આરોપીની પૂછપરછ કરી સુરક્ષા સમીક્ષા કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

લોકલ ટ્રેનમાં મયંકની હત્યા થઈ છે, વળતર રુપે રેલવે  નોકરી આપે

લોકલમાં હત્યાનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માગણી

મયંકના દાદા પાણીપતથી પાછા આવ્યા બાદ વિરારમાં શુક્રવારે અંતિમ સંસ્કાર બાદ પરિવારજનોએ ન્યાય માગ્યો

મુંબઇ  -  લોકલ ટ્રેનમાં છરીના હુમલામાં મૃત્યુ પામેલા ૨૨ વર્ષીય મયંક લોહારના શુક્રવારે વિરારમાં શોકમય વાતાવરણ વચ્ચે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. તેમના દાદા વિરાર પહોંચ્યા પછી, પરિવારે સવારે ચાર વાગ્યે બોરીવલીના પોસ્ટમોર્ટમ સેન્ટરમાંથી મયંકના મૃતદેહનો કબજો લીધો હતો. ત્યાર બાદ, તેમના પિતા રમેશ લોહાર અને મોટા ભાઈ  મયુરે વિરાર-વેસ્ટના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કર્યા હતા.

ગત મંગળવારે રાત્રે, અંધેરી લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, ૩૩ વર્ષના રોશન સુવર્ણાએ ચર્ચગેટ-નાલાસોપારા ફાસ્ટ લોકલના ફર્સ્ટ ક્લાસ ડબ્બાના દરવાજો બંધ કરવા કે અંગે થયેલી દલીલને કારણે ૨૨ વર્ષના મયંક લોહારને ચાકુ વડે વાર કરીને હત્યા કરી હતી. મયંક વિરારમાં રહેતો હતો. તેના દાદા પાણીપતમાં હતા, તેથી તેમને આવવામાં મોડું થયું હતું.

દરમિયાન, મયંકના પરિવારે માંગ કરી છે કે મયંકના હત્યારાને ફાંસી આપવામાં આવે અને પરિવારના એક સભ્યને રેલવેમાં નોકરી આપવામાં આવે.અમારી એકમાત્ર ઈચ્છા છે કે મારા ભાઈના હત્યારાને કડક સજા થાય અને આ કેસ વર્ષો સુધી પેન્ડિંગ ન રહે. રાજ્ય સરકારે આ કેસ ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ચલાવવો જોઈએ અને અમને ન્યાય આપવો જોઈએ, એમ મયંકના ભાઈ  મયુર લોહારે માંગ કરી હતી. મયુર એક ડાન્સ  ગૂ્રપમાં કામ કરે છે અને એક કાર્યક્રમ માટે ઉદયપુર ગયો હતો ત્યારે આ ઘટના બની હતી. તેના પિતાએ ફોન પર આ ઘટનાની જાણ કર્યા પછી, તે વિરાર પાછો ફર્યો હતો. પરિવારના એક સભ્યને રેલવેમાં નોકરી આપવાની પણ માંગ કરી છે. આ કેસમાં ન્યાય મેળવવા માટે હસ્તક્ષેપ અરજી દાખલ કરવા માટે એક સ્વતંત્ર વકીલની નિમણૂક કરવામાં આવશે એમ સ્થાનિક રાજકીય પક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

રેલવે પોલીસ કમિશનરે  જાતે રોશનની પૂછપરછ કરી

રેલવે પોલીસ કમિશનર રાકેશ કલાસાગરે શુક્રવારે બોરીવલી રેલવે પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને આરોપીની જાતે પૂછપરછ કરી હતી. આરોપી છેલ્લા કેટલાક દિવસોથી છરી રાખતો હતો. જોકે, તેણે તે કયા હેતુ માટે રાખ્યો હતો તે શોધવા માટે તપાસ ચાલુ છે. અમને તાજેતરમાં જ તેની પોલીસ કસ્ટડી મળી છે અને તમામ દિશાએથી તપાસ ચાલી રહી છે, એમ રાકેશ કલાસાગરે જણાવ્યું હતું.

આ મુલાકાત દરમિયાન, તેમણે બોરીવલી રેલવે પોલીસ સ્ટેશનમાં સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. તેમણે વિવિધ રેલવે મુસાફરો સંગઠનોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી અને મુસાફરોની સલામતી માટે જરૃરી પગલાં અંગે સૂચનાઓ માંગી હતી. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં રેલવે મુસાફરો માટે જાગૃતિ અભિયાન શરૃ કરવામાં આવશે.

આ ઉપરાંત, લોકલ ટ્રેનોમાં નશાની હાલતમાં મુસાફરી કરનારા મુસાફરો સામે એક ખાસ ઝુંબેશ શરૃ કરવામાં આવશે. આવા મુસાફરોની અટકાયત કરીને નજીકના રેલવે પોલીસ ચોકીમાં લઈ જવામાં આવશે, એમ રેલવે પોલીસે જણાવ્યું હતું.

રોશન છરી લઈને શા માટે ફરતો હતો તેનો કોઈ  ખુલાસો નહિ

તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું છે કે, આ છરી આરોપી રોશને  તેના  મિત્ર પરમાર પાસેથી લીધી હતી. પરમાર એક ઓનલાઈન રિટેલ કંપનીમાં કામ કરે છે. તેણે આ છરી મીરા રોડ પરના એક વેરહાઉસમાંથી આરોપીને આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ તેના મિત્રને કહ્યું હતું કે તેને બારકોડના કામ માટે છરીની જરૃર છે. રેલવે પોલીસ હજુ સુધી આ હત્યા કેસમાં વપરાયેલ છરી મેળવી શકી નથી. આરોપી રોશન બોરીવલી રેલવે પોલીસને તપાસમાં સહકાર આપી રહ્યો નથી અને છરી ક્યાં ફેંકવામાં આવી હતી તે અંગે માહિતી આપી રહ્યારહ્યો નથી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી છેલ્લા કેટલાક દિવસોથી તેની બેગમાં છરી રાખતો હતો. જોકે, છરી પોતાની પાસે રાખવા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી અને તપાસ ચાલુ છે. પોલીસે સ્વબચાવ માટે છરી રાખતો હોવાના  રોશનના દાવાને ફગાવી દીધો છે.

રોશનના પરિવારને સોસાયટીમાંથી ઘર ખાલી કરાવવા માગણી

મયંકની હત્યા કરનાર આરોપી રોશન સુવર્ણા ૨૦૨૨ થી મીરા રોડના સાંઈબાબા નગર વિસ્તારમાં મેઘદૂત સોસાયટીમાં ભાડે રહે છે. તેના પરિવારમાં માતા-પિતા અને મોટા ભાઈનો સમાવેશ છે. તેના પિતા રમેશ સુવર્ણા મુંબઈના ડોક વિસ્તારમાં પેકર તરીકે કામ કરે છે. આ ઘટના બાદ નાગરિકોમાં ગુસ્સાનું મોજુ ફાટી નીકળ્યું છે. દરમિયાન મનસે કાર્યકરો મેઘદૂત સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીને મળ્યા હતા અને આરોપી રોશન સુવર્ણા દ્વારા ભાડે આપેલ ઘર તાત્કાલિક ખાલી કરાવવાની માગણી સાથે લેખિત નિવેદન આપ્યું હતું. મનસેએ સોસાયટી વહીવટીતંત્ર પાસેથી સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના જાળવવા યોગ્ય પગલાં લેવાની માંગ કરી હતી.