મરાઠા અનામત આંદોલનના કારણે મુંબઈના રસ્તા જામ, હાઈકોર્ટના જજે પગપાળા કોર્ટ જવું પડ્યું
Maratha Quota Protest: બોમ્બે હાઈકોર્ટે મરાઠા અનામત આંદોલન માટે એક્ટિવિસ્ટ મનોજ જરાંગે પાટિલ અને તેમના સમર્થકોને ફટકાર લગાવી છે. જેના કારણે મુંબઈના રસ્તા જામ થઈ ગયા છે. પહેલી સપ્ટેમ્બરના રોજ આંદોલનકારીઓએ એક જજની કાર રોકી હતી, જેના કારણે તેમને કોર્ટ સુધી પહોંચવા તેમણે ચાલતા જવું પડ્યું.
એક અહેવાલ પ્રમાણે જસ્ટિસ રવીન્દ્ર ઘુગે અને જસ્ટિસ ગૌતમ અખંડની બેન્ચે કહ્યું કે, મુંબઈ શહેર ખરેખર ઠપ થઈ ગયું છે. હાઈકોર્ટને પણ ઘેરી લેવાઈ છે. દરેક રસ્તા, ખાસ કરીને આઝાદ મેદાન, મંત્રાલય, ફ્લોરા ફાઉન્ટેન, મરીન ડ્રાઈવનો આખો વિસ્તાર દેખાવકારોએ જાણે કબજો કરી લીધો છે. તેઓ રસ્તા પર નાચી રહ્યા છે, કબડ્ડી, ખો-ખો અને ક્રિકેટ રમી રહ્યા છે, રસ્તા પર જ રસોઈ બનાવી રહ્યા છે અને સ્નાન કરી રહ્યા છે.
હાઈકોર્ટના જજે પગપાળા કોર્ટ જવું પડ્યું
1 સપ્ટેમ્બરના રોજ હાઈકોર્ટે અનેક અરજીઓ પર સુનાવણી બાદ પોતાના આદેશમાં કહ્યું કે, આજે જ્યારે અમારામાંથી એક રવીન્દ્ર ઘુગે બપોરે લગભગ 12:30 વાગ્યે સરકારી કારમાં કોર્ટ જઈ રહ્યા હતા, ત્યારે સિટી સિવિલ કોર્ટ અને હાઈકોર્ટ સામે ભારે જામ હતો. એ વખતે પણ દેખાવકારો રસ્તા પર રમતા હતા, કેટલાક નાચતા હતા. જ્યારે કેટલાક લોકો રસ્તા પર સૂઈ રહ્યા હતા. જેના કારણે જજ સિટી સિવિલ કોર્ટથી ફૂટપાથ પર ભીડની સાથે-સાથે પગપાળા હાઈકોર્ટ પહોંચ્યા. સરકારી વકીલ પૂર્ણિમા કંથારિયાને પણ જજ સાથે પગપાળા જવું પડ્યું કારણ કે તેઓ પણ ફસાઈ ગયા હતા.
બેન્ચે કહ્યું, હાઈકોર્ટને ઘેરી લેવાઈ હતી, સુનાવણી ચાલી રહી હતી ત્યારે પણ તેમના સૂત્રોચ્ચાર અમને અને વકીલોને સ્પષ્ટ સંભળાતા હતા.
મરાઠા અનામત આંદોલન
તમને જણાવી દઈએ કે, મનોજ જરાંગે શુક્રવાર, 29 ઓગસ્ટથી દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં ભૂખ હડતાળ કરી રહ્યા છે અને અન્ય પછાત વર્ગો (OBC) કેટેગરી હેઠળ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં મરાઠા સમુદાય માટે 10% અનામતની માગ કરી રહ્યા છે. કોર્ટે કહ્યું, હાઈકોર્ટની ઈમારતને ઘેરી લેવામાં આવી છે. જજો અને વકીલોના પ્રવેશ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે. હાઈકોર્ટના જજોની કારને અટકાવવામાં આવી અને તેમને કોર્ટ જવાથી રોકવામાં આવ્યા. આખા શહેરમાં નાકાબંધી કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: આઝાદ મેદાન ખાલી કરો...: હાઈકોર્ટના આદેશ બાદ પોલીસની જરાંગેને નોટિસ
કોર્ટે દેખાવકારોને બીજી સપ્ટેમ્બરે ચાર વાગ્યા સુધી આઝાદ મેદાન ખાલી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે, એક સ્થળે આ રીતે 5,000થી વધુ લોકો અનિશ્ચિતકાળ સુધી ના રહી શકે. આ દરમિયાન કોર્ટે મહારાષ્ટ્ર સરકારને પણ નિર્દેશ કર્યો હતો કે, આ સ્થિતિમાં કોર્ટના આદેશોનું પાલન થવું જોઈએ.