VIDEO: આઝાદ મેદાનમાં 5000 લોકો જ રહેશે, બાકીના વાહનો મુંબઈની બહાર જશે; જરાંગેની જાહેરાત
Mumbai Police Issues Notice to Manoj Jarange Patil : વિવિધ માંગોને લઈને મુંબઈના આઝાદ મેદાનમાં આંદોલન પર બેઠેલા મનોજ જરાંગેએ મોટી જાહેરાત કરી છે. હાઈકોર્ટના આદેશ અને પોલીસની કાર્યવાહી બાદ જરાંગેએ આઝાદ મેદાનમાં માત્ર 5000 લોકોને રહેવાની અને બાકીના વાહનોને મુંબઈ બહાર જવાની જાહેરાત કરી છે. મુંબઈ પોલીસ દ્વારા બોમ્બે હાઈકોર્ટના નિર્દેશ બાદ આઝાદ મેદાન ખાલી કરાવવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. આ પહેલા જરાંગેના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાનું અહેવાલ સામે આવ્યા હતા. બોમ્બે હાઈકોર્ટે મંગળવારે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં આઝાદ મેદાન ખાલી કરાવવાનો આદેશ આપ્યો હતો, જેના પગલે પોલીસે આ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ આંદોલનકારીઓને શાંતિપૂર્ણ રીતે આંદોલન સમાપ્ત કરવા અને મેદાન ખાલી કરવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહી છે.
સમર્થકોને શાંતિ જાળવવા અને હિંસાથી દૂર રહેવા જરાંગેની અપીલ
પોલીસની કાર્યવાહી પહેલાં જ મનોજ જરાંગે સ્પષ્ટ કીધું હતું કે, ભલે મારા જીવને જોખમ હોય, પરંતુ જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી નહીં થાય, ત્યાં સુધી તેઓ મુંબઈ છોડશે નહીં. તેમણે પોતાના સમર્થકોને શાંતિ જાળવવા અને હિંસાથી દૂર રહેવાની અપીલ કરી હતી. મંગળવારે સવારે મુંબઈ પોલીસે બોમ્બે હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરતાં જરાંગેને નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ આપી હતી. આ નોટિસમાં મીડિયામાં જરાંગેએ આપેલા નિવેદનોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
અમે નોટિસને કોર્ટમાં પડકારીશું : આંદોલનના આયોજક
પોલીસના નોટિસનો જવાબ આપતાં જરાંગેએ કહ્યું કે, તેઓ જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષાશે નહીં, ત્યાં સુધી મુંબઈમાં જ રહેશે. જો સરકાર મરાઠા સમુદાયનું સન્માન કરશે, તો તેઓ પણ સરકારનું સન્માન કરશે. આ પહેલાં, આંદોલનના આયોજકોએ જણાવ્યું હતું કે તેઓ પોલીસના આદેશને બોમ્બે હાઈકોર્ટમાં પડકારશે. આયોજક વીરેન્દ્ર પવારે કહ્યું કે, મરાઠા આંદોલનકારીઓ વતી વકીલ સતીશ માનેશિંદે કોર્ટમાં તેમનો પક્ષ રજૂ કરશે.
મેદાનમાં 5000ની મંજૂરી, 45000 દેખાવકારો આવ્યા
આંદોલન માટે મુંબઈ પોલીસે ફક્ત એક દિવસની અને 5000 લોકોની મર્યાદાની મંજૂરી આપી હતી. છતાં, જરાંગેના નેતૃત્વમાં લગભગ 35000થી 45000 પ્રદર્શનકારીઓ મુંબઈ પહોંચ્યા હતા. આ પ્રદર્શનકારીઓએ આઝાદ મેદાન ઉપરાંત સીએસટીએમ, મરીન ડ્રાઈવ અને પીડીમેલો રોડ જેવા વિસ્તારોને પણ અડચણો ઉભી કરી હતી, જેના કારણે દક્ષિણ મુંબઈમાં ભારે ટ્રાફિક જામ અને સાર્વજનીક અસુવિધા ઊભી થઈ હતી.
જરાંગેએ સમર્થકોને રસ્તા ખાલી કરવા જણાવ્યું
હાઈકોર્ટે મરાઠા આંદોલનકારીઓ ને રસ્તાઓ બ્લોક કરવા બદલ ઠપકો આપ્યો અને તેમને આઝાદ મેદાનમાં જ રહેવાનો આદેશ આપ્યો. કોર્ટના આદેશ બાદ, 43 વર્ષીય મનોજ જરાંગેએ તેમના સમર્થકોને રસ્તાઓ પરથી હટી જઈને લોકોને પરેશાન ન કરવા જણાવ્યું. કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો કે જો જરાંગેની તબિયત બગડે તો સરકાર તેમને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડે. આ મામલે આગામી સુનાવણી મંગળવારે નક્કી કરાઈ છે.
અનામતના લાભ માટે મરાઠાઓને અન્ય પછાત વર્ગ (ઓબીસી) શ્રેણીમાં સામેલ કરવાની માંગ કરી રહેલા જરાંગેએ સોમવારે બપોરે પાણી પીવાનું બંધ કરી દીધું હતું, પરંતુ સાંજે હાઈ કોર્ટના આદેશ બાદ પોતાના સમર્થકોને સંબોધિત કરતી વખતે તેમણે થોડા ઘૂંટ પાણી પીધા.
પ્રદર્શનમાં શરતોનું ઉલ્લંઘન થયું : હાઈકોર્ટ
સોમવારે એક અરજી પર સુનાવણી કરતાં બોમ્બે હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી કે, આ પ્રદર્શન શાંતિપૂર્ણ રહ્યું નથી અને તેમાં શરતોનું ઉલ્લંઘન થયું છે. કોર્ટે જરાંગે અને તેમના સમર્થકોને મંગળવાર સુધીમાં આઝાદ મેદાન સહિત મુંબઈના અન્ય તમામ વિસ્તારો ખાલી કરવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મનોજ જરાંગે પાટીલ મરાઠા સમુદાય માટે અન્ય પછાત વર્ગ (ઓબીસી) શ્રેણી હેઠળ 10 ટકા અનામતની માંગ કરી રહ્યા છે. તેમની મુખ્ય માંગ છે કે મરાઠાવાડા ક્ષેત્રના તમામ મરાઠાઓને કુંભી તરીકે માન્યતા આપવામાં આવે અને ઓબીસી ક્વોટાનો લાભ આપવા માટે સરકારી ઠરાવ જારી કરવામાં આવે.
ન્યાયાધીશે પગપાળા કોર્ટ પહોંચવું પડ્યું
મરાઠા અનામત આંદોલનને કારણે સામાન્ય લોકોની સાથે-સાથે બોમ્બે હાઈકોર્ટના એક જજને પણ મુશ્કેલી પડી હતી. પ્રદર્શનકારીઓએ દક્ષિણ મુંબઈના રસ્તાઓ પર જજની કાર રોકી દીધી, જેના કારણે તેમને કોર્ટ સુધી પગપાળા જવું પડ્યું. તેમની સાથે સરકારી વકીલ પૂર્ણિમા કંથારિયાને પણ ચાલીને કોર્ટ પહોંચવું પડ્યું, કારણ કે તેઓ પણ ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા.
મુખ્યમંત્રી ફડણવીસે જરાંગેની ટીકા કરી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે કેટલાક લોકો પોતાના રાજકીય ફાયદા માટે મરાઠા અનામત આંદોલનનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે ચેતવણી આપી કે જે લોકો આ સામાજિક મુદ્દાનો દુરુપયોગ કરશે, તેમને મુશ્કેલી થશે અને કોઈએ પણ અંગત લાભ માટે આવા મુદ્દાઓનો ઉપયોગ ન કરવો જોઈએ.