દીકરીએ વિધવા માતાને પરણાવી, નવો પતિ 17 લાખના દાગીના લઈ રફુચક્કર, મુંબઈનો ચોંકાવનારો કિસ્સો
Mumbai Fraud Case: મોટી ઉંમરની માતાને એકલતા ન સાલે અને સુખ-દુ:ખમાં ધ્યાન આપવા જીવનસાથી મળી રહે તેવા આશયથી 28 વર્ષની પુત્રીએ 50 વર્ષની વિધવા માતાને આગ્રહપૂર્વક બીજીવાર પરણાવી હતી. જો કે મેરેજબ્યુરોના માધ્યમથી મળેલો સાથીદાર ફ્રોડ નીકળ્યો હતો અને મહિલાના 17 લાખના દાગીના અને રોકડ સાથે રફુચક્કર થઈ ગયો હતો.
પુત્રીના લગ્ન બાદ માતા એકલી ન થાય તે માટે કરાવ્યા લગ્ન
આ વાતથી આઘાત પામેલ મહિલાએ પશ્ચિમી મુંબઇના દિંડોશી પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ફ્રોડ વ્યક્તિ સામે ગુનો નોંધી તેને પકડી પાડવાના પ્રયાસો આદર્યા છે. આ સંદર્ભે વધુ વિગતાનુસાર દિંડોશીમાં રહેતી 50 વર્ષની ફરિયાદી મહિલા વિધવા છે અને તેને 28 વર્ષની પુત્રી છે. તેના લગ્નની વાત ચાલી રહી હોવાથી પોતાના લગ્ન બાદ માતા સાવ એકલી બની જશે તે વાતથી પુત્રી દુઃખી અને નિરાશ હતી.
દીકરીએ માતાને ફરીથી પરણાવવાનું નક્કી કર્યું અને તે માટે તેનું નામ એક મેરેજ બ્યુરોમાં નોંધાવ્યું. મેરેજ બ્યુરોના માધ્યમથી તેમને પોતાની અપેક્ષા મુજબનો એક વ્યક્તિ પણ મળી ગયો. પ્રદિપ નામનો આ વ્યક્તિ અને મહિલા બંને એકબીજાને મળ્યા અને બંને વચ્ચે વાતચીત થઇ.
જણાવ્યું કે કોવિડમાં પત્નીનું મૃત્યુ થઇ ગયું
આ દરમિયાન પ્રદિપે પોતાની પત્ની અને પુત્રીનું કોરોનામાં મૃત્યુ થયું હોવાની જણાવીને આ મહિલાને વિશ્વાસમાં લીધી અને તેની સાથે લગ્ન કરી લીધા. લગ્ન બાદ પ્રદિપે એક દિવસ મોકો જોઇને મહિલાને પાણીમાં બેહોશીની દવા આપીને રૂ.17.15 લાખની માલમત્તાના સોના-ચાંદીના દાગીના અને રોકડ લઈને ફરાર થઇ ગયો હતો. મહિલાએ પોતાની પુત્રીને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ કરી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: 17 વર્ષની તરુણી 7 વર્ષ મોટી યુવતી પ્રેમમાં પડયા બાદ ફરાર, રિસોર્ટમાંથી પકડાઈ
આરોપીઓએ કંપનીમાં પણ કર્યું હતું કૌભાંડ
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, જ્યારે મહિલા હોશમાં આવી ત્યારે તેણે જોયું કે તેનો પતિ ગુમ હતો. પતિનો ફોન પણ સ્વીચ ઓફ હતો, જ્યારે તેણે ઘરની તપાસ કરી તો ખબર પડી કે કબાટમાં રાખેલા 17.15 લાખ રૂપિયાના દાગીના પણ ગાયબ હતા. ગભરાઈને તેણે તેની પુત્રી અને અન્ય સંબંધીઓને જાણ કરી. આ પછી મહિલાએ પતિની ઓફિસે તપાસ કરી તો ખબર પડી કે તે થોડા મહિનાઓથી કામ પર આવ્યો નથી. તેણે કંપનીમાં પણ લાખો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. ઓફિસ સ્ટાફે મહિલાને કહ્યું કે અન્ય ઘણી મહિલાઓ પણ તેને શોધતી આવી હતી.