બિરદેવને જાહ્નવીના બોયફ્રેન્ડે શિખરે 1000 પુસ્તકો મોકલ્યા

'બૂકે નહીં, બૂક આપો' - આઈપીએસ બિરદેવનું આવાહન
પુસ્તકો જમા કરી તેમાંથી સ્પર્ધા પરીક્ષાની તૈયારીઓ કરતાં વિદ્યાર્થીઓ માટે લાઈબ્રેરી બનાવવાની ઈચ્છા
મુંબઈ - તાજેતરમાં મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારના ભરવાડનો દિકરો બિરદેવ ડોણે આઈપીએસ બનતાં તેની સર્વત્ર ચર્ચા થઈ રહી છે. અનેક લોકો તેને મળવા બૂકે લઈ તેના ગામે પહોંચી રહ્યા છે. ત્યારે બિરદેવે 'બૂકે નહીં, બૂક આપો' એવું આવાહન કર્યું છે. બિરદેવના આ આવાહનને પ્રતિસાદ આપતાં બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરના બોયફ્રેન્ડે તેની સંસ્થા મારફતે બિરદેવને ૧ હજાર પુસ્તકો ભેટ સ્વરુપે મોકલ્યા છે.
અનેક અભાવો વચ્ચે પોતાની હિંમત અને મહેનતથી ગામની જિલ્લા પરિષદની શાળા, બાદમાં પુણે અને દિલ્હી સુધી આઈપીએસના અભ્યાસની તૈયારી માટે પહોંચી જઈ પોતાની જીદ્દને વળગી રહી બિરદેવ આઈપીએસની પરીક્ષામાં પાસ થયો છે. આથી આજે સર્વત્ર તેનો સત્કાર થઈ રહ્યો છે. ત્યારે 'સત્કાર કરતી વખતે મને બૂકે નહીં બૂક આપો' એવું તેણે કહ્યું. પુસ્તકો જમા કરી સ્પર્ધા પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે વાંચનાલય તૈયાર કરવાની તેની ઈચ્છા છે. બિરદેવના આ આવાહનને બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરના બોયફ્રેન્ડ શિખર પહાડિયાએ પ્રતિસાદ આપી તેની સંસ્થા મારફતે બિરદેવના ગામે કુલ એક હજાર પુસ્તકો મોકલ્યા છે.

