Get The App

આંતરરાષ્ટ્રીય શૂટર સંભાજી પાટીલનું અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં મોત

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
આંતરરાષ્ટ્રીય શૂટર સંભાજી પાટીલનું અમદાવાદ  હાઈવે પર અકસ્માતમાં મોત 1 - image

અનેક સ્પર્ધામાં મેડલો જીત્યા હતા

કાર કાબુ ગુમાવ્યા બાદ આગળનાં હેવી વ્હીકલ સાથે અથડાતાં કચ્ચરઘાણ 

મુંબઈ - મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર એક ભયાનક અકસ્માતમાં આંતરરાષ્ટ્રીય શૂટર સંભાજી પાટિલનું મુત્યુ થયું છે. આ અકસ્માત સોમવારે સવારે થયો હતો.

સત્યાવીસ વર્ષના આંતરરાષ્ટ્રીય શૂટર સંભાજી પાટીલ હાલમાં બાલેવાડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્પોર્ટ્સ ઓફિસર તરીકે કાર્યરત હતા. તેઓ સોમવારે સવારે પોતાની ફોર્ચ્યુનર કારમાં તાલીમ માટે પુણેથી અમદાવાદ જઈ રહ્યા હતા. સવારે દસ વાગ્યે, મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર દુર્વેસ ખાતે હેરિટેજ ડેરી સામેથી પસાર થતી વખતે, ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો અને આગળના ભારે વાહનને ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં, કારનો આગળના ભાગેથી કચ્ચરઘાણ નીકળી ગયો હતો.  અકસ્માત એટલો ગંભીર હતો કે ડ્રાઇવરની બાજુમાં બેઠેલા આંતરરાષ્ટ્રીય શૂટર સંભાજી પાટીલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે ૨૩ વર્ષના ડ્રાઇવર યશ ચૌધરીને થોડી ઇજા થઈ હતી. તેમને સારવાર માટે મનોરની ગ્રામીણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

         સંભાજી પાટિલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત શૂટર હતા. તેમણે રાજ્ય સ્તરની સ્પર્ધાઓ તેમ જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. વર્ષ ૨૦૧૮ માં યોજાયેલી ૫૩મી ઓલ ઈન્ડિયા રેલ્વે શૂટિંગ ચેમ્પિયનશિપમાં, સંભાજી પાટીલે  પચ્ચીસ  મીટર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૨૦૧૯ માં યોજાયેલી ૫૪મી ઓલ ઈન્ડિયા રેલ્વે શૂટિંગ ચેમ્પિયનશિપમાં, તેમણે વ્યક્તિગત પચ્ચીસ  મીટર શૂટિંગ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૨૦૨૦માં, તેમણે પુણેમાં સેન્ટ્રલ રેલવે દ્વારા આયોજિત ચેમ્પિયનશિપ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.