ભારત એક અબજ કથાઓનો દેશ, વિશ્વ માટે ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટ કરો: મોદી

- મુંબઈમાં વેવ્ઝ શિખર સમિટ શરૂ: મનોરંજનની દુનિયામાં એક નવી ઓળખ
- ભારતને ફિલ્મ નિર્માણ, ડિજિટલ કન્ટેન્ટ, ગેમિંગ સહિતનાં ક્ષેત્રોમાં વૈશ્વિક હબ બનાવવાની નેમ: વડાપ્રધાન
મુંબઈ : ભારત એક અબજથી વધુ વસતી ધરાવે છે. તેનો મતલબ ભારત પાસે એક અબજથી વધારે કથાઓ છે. આ કથાઓને આધારે સમગ્ર વિશ્વ માટે ભારતમાંથી કન્ટેન્ટ ક્રિએટ કરો એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમીટનું ઉદ્ધઘાટન કરતાં જણાવ્યું હતું.
વિશ્વના ૧૦૦થી વધુ દેશોના કલાકારો, કન્ટેન્ટ ક્રિએટર્સ તથા મીડિયા કંપનીઓના વડાઓને સંબોધતાં તેમણે કહ્યું હતું કે આગામી વર્ષોમાં ભારતના જીડીપીમાં મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ સેક્ટરનું નિર્માણ વધશે. ભારતને ફિલ્મ નિર્માણ, ડિજિટલ કન્ટેન્ટની રચના, ગેમિંગ, સંગીત તથા ફેશન ઈન્ડસ્ટ્રીનું હબ બનાવવાની આપણી નેમ છે. તેમણે કહ્યું હતું કે માનવીય જીવનમાં ટેકનોલોજી હાવી થઈ રહી છે આ સમયે સર્જનાત્મક લોકોએ સંગીત, નૃત્ય અને કથા કથન દ્વારા વિશ્વને વધુ ભાવનાત્મક બનાવવું જોઈએ. માણસો રોબોટ ન બનવા જોઈએ. આપણે તેમને વધારે સંવેદનશીલ બનાવવા જોઈએ એમ તેમણે કહ્યું હતું. સ્ક્રીન નાની થઈ રહી છે પરંતુ તેની પહોંચી વધી રહી છે.
તેમણે કહ્યું હતું કે આજે વિશ્વ વાર્તા કથનની નવી રીતિઓ શોધી રહ્યું છે. આવા સમયે ભારત પાસે હજારો વર્ષ જૂની અનેકાનેક કથાઓનો ખજાનો છે. આ ખજાનો વિશ્વ સુધી પહોંચાડવો જોઈએ. નવી પેઢીને આ કથાઓ વધારે રસપ્રદ અને નવતર રીતે કહેવી જોઈએ. ભારતમાં છ લાખથી વધુ ગામડાં છે. દરેક ગામ પાસે પોતાની કથાઓ છે.
આ ઉદ્ધઘાટનો સમારોહનો પ્રારંભ ઓસ્કર વિજેતા સંગીતકાર એમ. એમ. કિરવાણી દ્વારા ઋગ્વેદની ઋચાઓનાં ગાન દ્વારા થયો હતો. શ્રેયા ઘોષાલ સહિતના ગાયકોએ પોતાનો કંઠ આપ્યો હતો.
શાહરુખ ખાન, રજનીકાન્ત, અનિલ કપૂર, હેમા માલિની તથા અનુપમ ખેર સહિતના કલાાકરોએ ઉદ્ધઘાટન સમારોહમાં સંક્ષિપ્ત પ્રવચનો કર્યાં હતાં. ત્યારબાદ દિવસભર જુદાં જુદાં ચર્ચા સત્રો યોજાયાં હતાં.

