મુંબઈમાં રવિવારે લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ, અતિભારે વરસાદ પડશે, IMDનું રેડ ઍલર્ટ
Mumbai Rain Forecast : મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ યથાવત્ છે, ત્યારે હવામાન વિભાગે મુંબઈમાં હજુ ભારે વરસાદને લઈને આવતીકાલે રવિવારે (28 સપ્ટેમ્બર) રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. અતિભારે વરસાદને લઈને IMDએ લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. જ્યારે 29 સપ્ટેમ્બરના રોજ પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.
મુંબઈમાં રેડ ઍલર્ટ
હવામાન વિભાગ મુજબ, મુંબઈના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં આવતીકાલે રવિવારે મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢમાં વરસાદની સંભાવના છે. મુંબઈમાં ધીમીધારે વરસાદી માહોલ છે. જેમાં કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે ધુળે, નંદુરબાર અને જલગાંવ સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં 28 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં રાજ્યના 11 જિલ્લાઓ માટે ઑરેન્જ ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ચંદ્રપુર, ગઢચિરોલી અને યવતમાલ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.