2 કરોડ આપો નહીં તો ગૌશાળાના કુવામાં ઝેર ભેળવી 250 ગાયોને મારી નાખશું
ઉલ્લાસનગર ગૌશાળાની બાજુમાં આવેલી જમીનના કબ્જેદારોની ધમકી
ટ્રસ્ટીની ફરિયાદના આધારે મહિલા તથા તેના બે પુત્રો સામે ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ
મુંબઇ : ઉલ્હાસનગરની એક ગૌશાળાના ટ્રસ્ટીઓ પાસેથી બે કરોડની ખંડણીની માગણીથી ચકચાર મચી છે. જો ખંડણી નહીં આપવામાં આવે તો ગૌશાળાના કુવામાં ઝેર ભેળવી ૨૫૦ ગાયોને મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી છે. આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુંસાર ગત એક વર્ષથી એક મહિલા અને તેના બે પુત્રો ગૌશાળાના ટ્રસ્ટીઓને ખંડણી માટે ધમકાવી ત્રાસ આપતા હતા.
ટ્રસ્ટીઓએ કોર્ટમાં આ ત્રણેય જણ સામે દાવો માંડયો હતો. આ પ્રકરણની કોર્ટે ગંભીર નોંધ લઇ ખંડણી માગનાર ત્રણેય સામે ગુનો નોંધવાની આદેશ ઉલ્હાસ નગરના હિલ-લાઇન પોલીસ સ્ટેશનને આપ્યો હતો. ત્યાર બાદ પોલીસે હુસેની (૫૭) નામના ટ્રસ્ટીની ફરિયાદ પરથી ત્રણેય જણ સામે ધમકાવવું, ખંડણી માગવી જેવી કલમો હેઠળ ગુનો નોંધયો હતો.
ઉલ્હાસનગરના કેમ્પ નંબર પાંચમાં ચાલિયા મંદિર પાસે ૩૫ વર્ષ જૂની સાંઇ લખન ગૌશાળા આવેલી છે. અહીં લગભગ ૨૫૦ ગાયોની સંભાળ રાખવામાં આવે છે. હુસેની અને અન્ય ટ્રસ્ટીઓ ગૌશાળાની દેખભાળ રાખે છે. આ ગૌશાળાને અડીને આવેલ જમીનનો એક ટુકડો સ્વામી રૃપારામની માલિકીનો છે.
છ વર્ષ પહેલા તેમનું મૃત્યુ થયું ત્યારથી આરોપીઓ સતત ગૌશાળાના ટ્રસ્ટીઓને આ જમીન હડપ કરવા ત્રાસ આપતા હતા. આ સિવાય જો ગૌશાળા યોગ્ય રીતે ચલાવવી હશે તોો બે કરોડ રૃપિયાની ખંડણીની માગણી કરતા હતા. ત્યાર બાદ આ લોકોને હેરાન કરવા ગૌશાળાની બાજુના કુવામાં કે જ્યાંથી ઢોરોને પાણીનો પુરવઠો કરવામાં આવે છે તેનો પાણી પુરવઠો તોડી પાડવાનું તેમજ પાણી પુરવઠાના યંત્રો ચોરી કરવાનું શરૃ કર્યું હતું. આટલેથી ન અટકતા જો ખંડણીની માગણી પૂરી કરવામાં નહીં આવે તો કુવામાં ઝેરી દવા નાંખી ૨૫૦ ગાયોને મારી નાંખવાની પણ ધમકી આપી હતી.
આ લોકોનો ત્રાસ ખૂબ જ વધી જતા અંતે ટ્રસ્ટીઓએ કોર્ટમાં ધા નાંખી હતી. કોર્ટે ગૌશાળાને થતા ત્રાસને ધ્યાનમાં રાખી આરોપીઓ વિરૃદ્ધ ધમકાવવું, ખંડણી માગવી જેવી કલમો હેઠળ ગુનો દાખલ કરવાનો આદેશ ઉલ્હાસનગરના હિલ લાઇન પોલીસ સ્ટેશનને આપ્યો હતો. ત્યાર બાદ પોલીસ ટ્રસ્ટીઓની ફરિયાદ પર ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી છે.