શિવસેના, કોંગ્રેસ,એનસીપીને હાઈ કોર્ટે નોટિસ ફટકારી


- લખીમપુર હિંસા બાદ મહારાષ્ટ્ર બંધ 

- અરજદારે માગેલી વચગાળાની રાહત કોર્ટે નકારી

મુંબઈ: લખમીપુર ખેરીમાં ખેડૂતોના મૃત્યુની ઘટનાના સમર્થનમાં મહારાષ્ટ્ર બંધની હાકલ કરવાના વિરોધમાં કરાયેલી જનહિત અરજીમાં બોમ્બે હાઈ કોર્ટે શિવસેના, કોંગ્રેસ અને અનેસીપીને નોટિસ મોકલાવી છે.

વાયરલેસ મેસેજ પરથી પુરવાર થાય છે કે બંધની હાકલ મહાવિકાસ અઆઘાડીએ આપી હતી. પ્રતિવાદીઓ હજી કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા હોવાથી અમે તેમને નોટિસ મોકલાવીએ છીએ. જનહિત અરજી વિશે અમે અંતિમ નિર્ણય આગામી તારીખે લઈશું આથી વચગાળાની રાહત આપવાનો પ્રશ્ન ઉદ્ભવતો નથી, એમ કોર્ટે જણાવ્યુંહતું. 

લખીમપુર  ખૈરીમાં સત્તાધારી કેન્દ્રીય મંત્રીના પુત્રે પોતાની ગાડી ખેડૂતો પર ચડાવી દીધી હોવાના વિરોધમાં 11 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્ર બંધની હાકલ કરાઈ હતી. બંધના વિરોધમાં વરિષ્ઠ આઈપીએસ અધિકારી જુલિયો રિબેરો સહિત અન્ય બે જણે હાઈ કોર્ટમાં જનહિત અરજી કરી હતી.

અરજીમાં ત્રણે રાજકીય પક્ષોને નાગરિકો અને ભારત દેશને થયેલું નુકસાન ભરપાઈ કરવાનો નિર્દેશ આપવાની દાદ મગાઈ છે. રૂ. ત્રણ હજાર કરોડની  ભરપાઈ માગવામાં આવી છે.  અરજીમાં 'બંધ લોસ કમ્પેન્સેશન ફંડ 2021' તૈયાર કરવાનો પણ નિર્દેશ ઈચ્છવામાં આવ્યો છે.

કોર્ટે સવાલ કર્યો હતો કે સુપ્રીમ કોર્ટે વકિલોની હડતાળને ગેરકાયદે ગણાવી છે પણ હડતાળ અટકી છે?  કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા છે પણ કોઈ સાંભળતું નથી. કોર્ટે જણાવ્યું હતું કે તમને એમ લાગે છે કે હાઈ કોર્ટના આદેશો લોકો પાળશે.

અરજદારે બંધ અટકાવવા શું ફરજ બજાવી હતી? તેઓ માનવંતી વ્યક્તિ છે અને વિદેશમાં તેઓ રાજદૂત તરીકે સેવા આપી ચૂક્યા છે. સેવાકાળ દરમ્યાન લોકો કંઈ કરતા નથી પણ નિવૃત્તિ બાદ તેઓ સફાળા જાગે છે. સેવાકાળમાં કંઈ કરતા નથી અને 30 વર્ષ બાદ જનહિત અરજી લઈ આવો છો.

કેરળ હાઈ કોર્ટે મૌખિક રાહત આપ હતી અને વળતરરૂપે રાહત આપી નહોતી અને સુપ્રીમ કોર્ટે પણ તેને બહાલ કર્યો હતો તો અમે કઈ રીતે આદેશ આપી શકીએ? એમ કોર્ટે સવાલ કર્યો હતો. કોર્ટે 9 જાન્યુઆરીએ નોટિસનો જવાબ મગાવ્યો છે.

City News

Sports

RECENT NEWS