Get The App

મુંબઈમાં મેઘતાંડવ: વરસાદે 107 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ઠેર-ઠેર પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત

Updated: May 26th, 2025

GS TEAM


Google News
Google News
મુંબઈમાં મેઘતાંડવ: વરસાદે 107 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ઠેર-ઠેર પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત 1 - image


Mumbai Rain: મુંબઈમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં કોલાબામાં સૌથી વધુ વરસાદ સાથે 107 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો છે. સવારે 8.30 વાગ્યા સુધીમાં 135 mm વરસાદ પડ્યો હતો. હજી બે દિવસ સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદની અસર સોમવારે રેલવે સેવા પર પડી રહી છે. મધ્ય રેલવે હાર્બર અને વેસ્ટર્ન રેલવેની લોકલ સેવાઓ ખોરવાઇ ગઇ છે. જેથી ઓફિસ જનારાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મધ્ય રેલવેની મેન લાઇન પર કલ્યાણ તરફ જનાર અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) તરફ જનાર લોકલ ટ્રેનો મોડી મોડી ચાલી રહી છે. 

હવામાન વિભાગ અનુસાર, કોલાબા વેધશાળા પરથી અત્યારસુધીમાં કુલ 295 mm વરસાદ વરસ્યો છે. આ ધુંઆધાર વરસાદ સાથે મુંબઈમાં  મે મહિનાના વરસાદનો 107 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો છે. અગાઉ મે,1918માં  279.4 mm વરસાદ પડ્યો હતો. એક દિવસીય વરસાદની વાત કરીએ તો, મુંબઈમાં 27 જુલાઈ, 2005માં સૌથી વધુ 944 mm વરસાદ પડ્યો હતો. જ્યારે કોલાબામાં 5 જુલાઈ, 1974માં  575 mm વરસાદ થયો હતો.



સવારે 9 વાગ્યાથી 10 વાગ્યા વચ્ચે એક કલાકમાં સૌથી વધુ વરસાદ નરીમન પોઇન્ટ ફાયર સ્ટેશનમાં નોંધાયો છે. આ ઉપરાંત એ વોર્ડ ઓફિસમાં 86 મી.મી., કોલાબા પંપિંગ સ્ટેશન 83 મી.મી., મ્યુનિસિપલ હેડ ઓફિસ 80 મી.મી., ગ્રાન્ટ રોડ આઇ હોસ્પિટલ 67 મી.મી., મેમનવાડા ફાયર સ્ટેશન 65 મી.મી., માલાબાર હિલ 63 મી.મી. અને ડી વોર્ડ 61 મી.મી. વરસાદ નોંધાયો છે. 

આ પણ વાંચો: મહારાષ્ટ્ર જળબંબાકાર, પૂણેમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, સોલાપુર હાઈવે બેટમાં ફેરવાયો

ભારે પવન અને વરસાદને કારણે વૃક્ષો અને ડાળીઓ પડવાના બનાવો પણ નોંધાયા છે. BMC ને શહેરમાં 4 સ્થળોએ અને વેસ્ટર્ન સબર્બ્સમાં 5 સ્થળોએ વૃક્ષો પડી ગયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. સેન્ડહર્સ્ટ રોડ અને ભાયખલા વચ્ચે પાણી ભરાઈ જવાથી મધ્ય રેલ્વે સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. અપ અને ડાઉન સાઇડ લોકલ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. વરસાદને કારણે હાર્બર લાઇન સેવાઓ પણ ધીમી ગતિએ શરૂ થઈ છે. 

મુંબઈના કુર્લા, વિદ્યા વિહાર, સાયન, દાદર અને પરેલ જેવા વિસ્તારોમાં હજુ પણ હળવો થી મધ્યમ વરસાદ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેતવણી આપી છે કે આગામી કેટલાક કલાકો સુધી મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહી શકે છે. 

હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદનું જોર ચાલુ રહી શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. બીએમસીએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ખૂબ જ જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળે. રવિવારે રાત્રે પણ ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. વહીવટીતંત્રે કહ્યું છે કે તે પરિસ્થિતિ પર નજર રાખશે.

Tags :