VIDEO: મહારાષ્ટ્ર જળબંબાકાર, પૂણેમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ, સોલાપુર હાઈવે બેટમાં ફેરવાયો
Maharashtra Rains Updates: મહારાષ્ટ્રમાં આજે ભારે પવન સાથે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદમાં કોંકણ, પુણે, સતારા, થાણે, મુંબઈ સહિતના વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે. હાઈવે પર ભારે ટ્રેફિક જામ જોવા મળ્યો છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે રાજ્યના સત્તાધીશોને વરસાદના કારણે એલર્ટમાં રહેવાં તેમજ સમયસર બચાવ કામગીરી હાથ ધરવા નિર્દેશ આપ્યો છે. તેમણે રાજ્યના લોકોને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતાં એલર્ટને ધ્યાનમાં લેવા અપીલ કરી છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને સાવચેતી રાખવા કહ્યું છે.
પુણેમાં આભ ફાટ્યું
પુણેમાં આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વેસ્ટર્ન ઘાટમાં કુરવેંદેમાં 184.5 mm વરસાદ પડ્યો છે. અન્ય વિસ્તારોમાં પણ વરસાદના કારણે પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે પુણેમાં 26 અને 27 તારીખે સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી હતી. સ્થાનિકો અને સત્તાધીશોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી હતી. પુણેમાં 31 મે સુધી વરસાદની સ્થિતિ રહેશે. એનડીઆરએફની ટીમે પુમાલશિરાસ અને કુરૂબાવી નદી કિનારેથી છ લોકોને બચાવ્યા છે. જેમાં ત્રણ પુરૂષ, બે મહિલા, અને એક બાળક સામેલ છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રના થાણે, પુણે, કોલ્હાપુર, રત્નાગિરી, રાયગઢમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
આ પણ વાંચોઃVIDEO : મુંબઈમાં વરસાદે આફત નોતરી, ઠેર-ઠેર પાણી ભરાયા, ફ્લાઈટ-ટ્રેન મોડી પડી
NDRFની ટીમે 14 લોકોને બચાવ્યા
પુણેમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. એનડીઆરએફની ટીમે પુણેના બારામતી જિલ્લામાંથી આઠ લોકોને બચાવ્યા હતા. સોલાપુર જિલ્લામાં પણ નદીમાં ડૂબતાં છ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ન જવા અપીલ કરાઈ હતી. તેમજ ત્યાં રહેતાં લોકોને સુરક્ષિત સ્થળો પર જવા અને સાવચેત રહેવા અપીલ કરી છે.
કાંદિવલીથી સાંતા ક્રૂઝ 15 કિમી સુધી ચક્કાજામ
વરસાદના કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. કાંદિવલીથી સાંતા ક્રૂઝમાં 15 કિમીનો લંબો ચક્કાજામ થયો હતો. ભારે પવન સાથે વરસાદ, અને વીજના ચમકારા વચ્ચે મુંબઈમાં ચાર અને પશ્ચિમી વિસ્તારોમાં પાંચ ઝાડ પડી ગયા હતા.
35 વર્ષ બાદ ચોમાસાનું વહેલું આગમાન
મહારાષ્ટ્રના ઈતિહાસની વાત કરીએ તો રાજ્યમાં 35 વર્ષમાં પહેલીવાર મોનસૂનનું આટલું વહેલું આગમન થયું છે. આમ તો દક્ષિણ પશ્ચિમ મોનસૂન સામાન્ય રીતે સાત જૂન આજુબાજુ મહારાષ્ટ્ર અને 11 જૂને મુંબઈ પહોંચે છે. હવામાન વિભાગે કોંકણ અને પ.મહારાષ્ટ્રના અમુક ભાગોમાં આગામી થોડા દિવસે માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.