સેબીનાં હેડક્વાર્ટર ખાતે કર્મચારીઓના દેખાવો, માધવી બુચનાં રાજીનામાંની માંગ

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
સેબીનાં હેડક્વાર્ટર ખાતે કર્મચારીઓના દેખાવો, માધવી બુચનાં રાજીનામાંની માંગ 1 - image


- નાણાં મંત્રાલયને પત્ર બાદ મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચેનું ઘર્ષણ તીવ્ર બન્યું

- ''ટોચના મેનેજમેન્ટ દ્વારા અખબારી યાદીની આડમાં હાથ મરોડવાની કવાયત : અખબારી યાદીને સેબી પાછી ખેંચે'' : કર્મચારીઓની માંગ

મુંબઈ : સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ તીવ્ર બનવા લાગ્યું છે. સેબીના જ ૨૦૦ જેટલા કર્મચારીઓએ આજે-ગુરૂવારે મુંબઈમાં સેબીના હેડક્વાર્ટ ખાતે વિરોધ દેખાવો યોજ્યા હતા. સેબીમાં બિનવ્યાવસાયિક કાર્યપ્રણાલી મામલે નાણા મંત્રાલયને અગાઉ લખેલા પત્રને ''બાહ્વ તત્વો''દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવતાં હોવાના સેબીની અખબારી યાદીમાં કરાયેલા દાવાના વિરોધમાં આ કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કર્મચારીઓએ સેબીનાં વડાં માધવી પુરી બૂચનાં રાજીનામાંની મંગ પણ કરી હતી. 

આ વિરોધ દેખાવો કેટલાક કલાકો સુધી યોજવામાં આવ્યા બાદ કર્મચારીઓ છુટ્ટા પડી તેમની ઓફિસે કામ પર પરત ફર્યા હતા. ઉલ્લેખનીય છે કે, સેબીએ ગઈકાલે બુધવારે કહ્યું હતું કે, તેની ઓફિસોમાં  બિનવ્યાવસાયિક કાર્ય સંસ્કૃતિના દાવાઓ ખોટા છે. કર્મચારીઓને મોકલવામાં આવેલા એક આંતરિક સંદેશમાં જણાવવામાં આવ્યું છે કે, આ વિરોધ ટોચના મેનેજમેન્ટ દ્વારા એક અખબારી યાદીની આડમાં હાથ મરોડવાની કરાયેલી કવાયત સામે અસંમતિ અને એકતા દર્શાવવાના હેતુંથી કરવામાં આવ્યો છે.  આ વિરોધ સાથે એક મેસેજમાં જણાવાયું છે કે, તાત્કાલિક અસરથી અખબારી યાદીને સેબીએ પાછી ખેંચવી અને કર્મચારીઓ વિરૂધ્ધ જુઠ્ઠાણા ફેલાવવા બદલ સેબીના  ચેરપરસને રાજીનામું આપવું.

ગત મહિને નાણા મંત્રાલયને લખેલા એક પત્રમાં સેબીના કેટલાક કર્મચારીઓએ જણાવ્યું  હતું કે, સેબી પર ભારે દબાણ હતું, જેના પરિણામે સેબીમાં કામ કરવા માટેનો માહોલ તણાવપૂર્ણ અને ઝેરી બનાવી દેવાયો છે. એક અખબારી નિવેદનમાં સેબીએ જણાવ્યું હતું કે, આ દાવાઓ ઊંચા ભાડા ભથ્થાની માંગ અને હાંસલ કરાયેલા લક્ષ્યાંકોની ખોટી માહિતી આપવાનું બંધ કરવાના પ્રયાસો અને નિર્ણયો લેવામાં વિલંબને કારણે કરવામાં આવ્યા છે. સેબીઆ તત્ત્વો વિશે કોઈ વિગતો જાહેર કર્યા વિના નિવેદનમાં જણાવ્યું હતું કે, કેટલાક બાહ્ય તત્ત્વોએ તેના કર્મચારીઓને એવું માનવા માટે ઉશ્કેર્યા હતા કે, તેમની પાસે કામગીરી અને જવાબદારીના ઉચ્ચ ધોરણો હોવા જરૂરી નથી.

સેબીના  ચેરપર્સન  માધવી પુરી બુચને અમેરિકાના શોર્ટ સેલર  હિન્ડેનબર્ગ રિસર્ચ તથા વિપક્ષી રાજકીય પક્ષોના હિતોના ટકરાવના આરોપોનો સામનો કરવો પડયો છે અને  તેમણે  સેબી ચેરપર્સનના રાજીનામાની માગ કરી છે. હિન્ડેનબર્ગે આરોપ લગાવ્યો છે કે, બુચ અને  તેમના  પતિ  અગાઉ અદાણી ગુ્રપ દ્વારા ઉપયોગમાં લેવાતા ઓફશોર ફંડમાં પણ રોકાણ ધરાવતા હતા, જેની નિયમકાર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બુચ દ્વારા આ આરોપોનું ખંડન કરવામાં આવ્યું છે.

કોંગ્રેસ પક્ષ દ્વારા તાજેતરમાં એવો આક્ષેપ કરાયો હતો કે, માધવી પુરી બુચ સેબીમાં જોડાયા બાદ પણ આ પૂર્વે આઈસીઆઈસીઆઈ બેંકમાં કામ કરતાં હતા, ત્યાંથી પણ આવકની કમાણી કરવાનું ચાલુ રાખ્યું હતું. આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા આ આક્ષેપોનું ખંડન કરાયું છે, જ્યારે સેબી ચેરપર્સન અને સેબીએ આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી.

માધવી બુચની એક સાથે બે નોકરી, શજીછ દોવાલના પુત્રની કંપનીમાં કામ કરતા

સેબી અધ્યક્ષ માધવી પુરી બુચ સામે એક પછી એક આક્ષેપો થઈ રહ્યા છે. નિવૃત્તિ પછી અને સેબીના કાર્યકાળ દરમિયાન આઇસીઆઈસી બેંકમાંથી દર વર્ષે આવક મેળવવાના આક્ષેપ બાદ ગુરૂવારે એવી વિગતો આવી છે કે બુચ જ્યારે આઈસીઆઈસીઆઈ બેંકમાં નોકરી કરી રહ્યા હતા ત્યારે ગ્લોબલ પેસિફિક કેપિટલ નામના વેન્ચર ફંડમાં પણ નોકરી કરી રહ્યા હતા.

અહેવાલો અનુસાર ૨૦૧૧ થી ૨૦૧૩ દરમિયાન માધવી પુરી બુચ આઇસીઆઈસીઆઈ બેંકમાં કાર્યરત હતા ત્યારે ગ્લોબલ પેસિફિકમાં પણ નોકરી ઉપર હતા. એકસાથે બે નોકરી કઈ રીતે થઈ શકે ? બીજો સવાલ એવો પણ ઉઠી રહ્યો છે કે આ ગ્લોબલ પેસિફિક કેપિટલ દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલના પુત્ર શૌર્ય દોવાલ ચલાવે છે તો શું દોવાલ અને બુચ પરિવાર વચ્ચે પણ કોઇ સંબંધ છે એવો પ્રશ્ન કોંગ્રેસે એક પત્રકાર પરિષદમાં ઉઠાવી આ મામલે નિષ્પક્ષ તપાસની માગણી કરી હતી.


Google NewsGoogle News