શેરોના કૃત્રિમ ઉછાળાના કૌભાંડમાં મુંબઈ, ગુજરાતમાં ઈડીના દરોડા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ, નાશિક,અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભાવનગરમાં દરોડા
ભાવનગરથી ચાલતાં વ્હોટસ એપ ગૂ્રપોમાં મલ્ટીબેગર્સ સ્ટોક હોવાનું જણાવી એક લાખ રોકાણકારાને ફસાવાયા
આર એમ ડ્રિપ સ્પ્રિન્કલર્સ, આર એન્ડ બી ડેનિમ્સ લિમિટેડ કંપનીઓના પ્રમોટરો તથા અન્યોનાં ૨૯ સ્થળે દરોડા
મુંબઇ - આર એમ ડ્રિપ સ્પ્રિન્ક્લર્સ સિસ્ટમ્સ તથા આર એન્ડ બી ડેનિમ્સ લિમિટેડ કંપનીઓના શેરો કૃત્રિમ રીતે ઉછાળી મોટાપાયે મની લોન્ડરિંગ કરવાના કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુંબઈ, નાશિક ઉપરાંત ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર , સુરત, ભાવનગર એમ છ શહેરોમાં ૨૯ સ્થળે દરોડા પાડયા હતા. વ્હોટસ એપ ગૂ્રપો બનાવી તેના દ્વારા આ કંપનીઓના સ્ટોક મલ્ટીબેગર્સ સ્ટોક હોવાનું જણાવી આશરે એક લાખ જેટલા રોકાણકારોને શીશામાં ઉતારાયા હતા. આ ગૂ્રપોનું સંચાલન ભાવનગરથી થતું હતું.
બન્ને કંપનીઓની ઓફિસ તેમના પ્રમોટરોના રહેઠાણો, ઓછી કિંમતે શેર મેળવનારા વ્યક્તિઓના રહેઠાણો, સ્ટોક બ્રોકિંગ અને ફાઇનાન્સ કંપનીઓની ઓફિસો અને કૃત્રિમ રીતે શેર ઉછાળવા માટે રચાયેલાં વોટ્સએપ ગુ્રપ્સ ચલાવતા શકમંદોના ઘરો પર ઈડીની ટીમો ત્રાટકી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન વિવિધ ગુનાહિત દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો, શેર વ્યવહારોના રેકોર્ડ અને મિલકતના દસ્તાવેજો જપ્ત કરાયા હતા.
મની લોન્ડરિંગ એક્ટની જોગવાઇઓ હેઠળ હાથ ધરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે એપ્રિલ ૨૦૨૩ અને માર્ચ ૨૦૨૪ની વચ્ચે બન્ને કંપનીઓએ અમુક ચોક્કસ વ્યક્તિઓ અને સંસ્થાઓને ૩.૫ કરોડથી વધુ શેર અને કન્વર્ટિબલ વોરંટ જારી કર્યા હતા. આ શેર માટે મોટાભાગનાં નાણાં સંબંધિત વ્યક્તિઓ, કંપનીઓ અને ધિરાણકર્તાઓના એક નાના ગૂ્રપે જ ચૂકવ્યાં હતાં. તે પછીના મહિનાઓમાં શેરના ભાવોમાં સતત વધારો થયો હતો અને શેર મોટાભાગે એક જ હાથમાં રહ્યા હતા.
તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે ડિસેમ્બર ૨૦૨૫ના અંતથી ફેબુ્રઆરી ૨૦૨૬ સુધી મલ્ટિબેગર સ્ટોક્સ જેવા નામો ધરાવતા વોટ્સએપ ગૂ્રપ્સ દ્વારા નિર્દોષ રિટેલ રોકાણકારોને આ કંપનીઓના શેર માટે દરરોજ ખરીદી ટિપ્સ મોકલાતી હતી. આ વ્હોટસ એપ ગૂ્રપ્સ હરિયાણાના અને મુંબઇમાં અન્ય વ્યક્તિઓના નામે મેળવેલા સિમકાર્ડ પર ચલાવવામાં આવતા હતા પરંતુ તેનું સંચાલન ભાવનગરથી થતું હતું. આ ટિપ્સ દ્વારા લલચાઇને શેર ખરીદનારાઓની સંખ્યા ૩૪૦૦થી વધુને એક લાખથી વધુ થઇ ગઇ હતી.
૨ ૦ ફેબુ્રઆરી ૨૦૨૬ના રોજ વોટ્સએપ ગુ્રપ અચાનક ડિલીટ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બન્ને શેર લોઅર સર્કિટમાં આવી ગયા હતા અને થોડા જ દિવસોમા તેમનું મૂલ્ય ૭૦ ટકા ઘટી ગયું હતું. જેના કારણે એક લાખ થી વધુ નાના રોકાણકારોને બારે નુકસાન થયું હતું અને તેઓ નીચા ભાવે શેર વેચી ન શકતાં તેમના પૈસા ફસાઈ ગયા હતા.




