મુંબઈની બજારોમાં વડાપાવ, ડોનટ્સ, મેંદુવડા રાખડીઓની ધૂમ
બચ્ચા પાર્ટી માટે સુપરહીરો પણ રાખડીમાં ઉપલબ્ધ
મુંબઈ : પહેલાં માત્ર રેશમના દોરાથી રાખડી બાંધવાનો રીવાજ હતો. પરંતુ સમય બદલાતાં નવા નવા ટ્રેન્ડ આવ્યાં અને અવનવી ડિઝાઈનની રાખડીઓ પણ આવી. આ વર્ષે બજારમાં વૂડન રાખી, ચોકલેટ રાખડી, પિત્ઝા, બર્ગર, ઢોસા, મેંદુવડા, ડોનટ્સ જેવા ખાદ્યપદાર્થોના આકાર અને કારીગરી વાળી મનમોહક રાખડીઓએ ધૂમ મચાવી છે.
રક્ષાબંધનના તહેવારને આડે ગણતરીના દિવસો છે, ત્યારે મુંબઈ, થાણેની મહિલાઓ રાખડીઓ લેવા માટે બજારમાં ભીડ જમાવી રહી છે. કોરોનાને કારણે ઉદ્ભવેલ પરિસ્થિતિમાં રાખડીઓના ભાવમાં પણ ૧૦ થી ૧૫ રુપિયાનો વધારો થયો હોવાનું અનેક રાખડી વિક્રેતાઓ પાસેથી જાણવા મળ્યું છે.બચ્ચા કંપનીઓ માટે સ્પાયડર મેન, પિકાચૂ, બેટમેન, છોટા ભીમ જેવા સુપર હીરોના સ્ટીકરવાળી રાખડીઓ પણ ઉપલબ્ધ છે. આ તમામ રાખડીઓ ૧૦ રુપિયાથી માંડી ૫૦ રુપિયા સુધીના ભાવે વેચાણ માટે ઉપલબ્ધ છે.