આખરે ક્રિકેટ બોર્ડની હાઈકોર્ટને ખાતરી, પોલીસ બંદોબસ્તના બાકી પૈસા ચૂકવી દેશે
અબજોની કમાણી કરતાં બોર્ડ માટે પાછોતરી અસરથી ચાર્જ ઘટાડાયો હતો
પિંપરી ચિંચવડ પોલીસને રૃ. 1.70 કરોડ, નવી મુંબઈને રૃ. 3 કરોડ અને મુંબઈ પોલીસને રૃ.1.03 કરોડની ચૂકવણી બાકી
મુંબઈ - બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ)એ શુક્રવારે બોમ્બે હાઈકોર્ટને ખાતરી આપી હતી કે મેચ દરમ્યાન અપાયેલા સુરક્ષા કવચ બદલ મુંબઈ, પિંપરી ચિંચવડ અને નવી મુંબઈ પોલીસની બાકી ફી બે સપ્તાહમાં ચૂકવી દેવામાં આવશે.
ક્રિકેટ બોર્ડે જણાવ્યા અનુસાર પિંપરી ચિંચવડ પોલીસને રૃ. ૧.૭૦ કરોડ, નવી મુંબઈને રૃ. ૩.૦ કરોડ અને મુંબઈ પોલીસને રૃ. ૧.૦૩ કરોડની ચૂકવણી બાકી છે. આ રકમ બે સપ્તાહમાં ચૂકવવાની ખાતરી બીસીસીઆઈએ અરજીના જવાબમાં નોંધાવેલા સોગંદનામામાં આપી છે.
આરટીઆઈ કાર્યકર્તા અનિલ ગલગલીએ જનહિત અરજી કરીને રાજ્ય સરકારે ૨૦૧૧થી ક્રિકેટ મેચમાં પોલીસ રક્ષણના ચાર્જ ઘટાડવાના લીધેલા નિર્ણયને પડકાર્યો હતો. સોગંદનામું નોંધાવીને બીસીસીઆઈએ અરજી ફગાવવાની માગણી કરી હતી. કોર્ટે ૧૧ ફેબુ્રઆરી પર સુનાવણી રાખી છે.
સરકારે નવેમ્બરમાં સોગંદનામું દાખલ કરીને જણાવ્યું હતું કે આ નિર્ણય મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારને નાણાકીય લાભને ધ્યાનમાં રાખીને લેવાયો હતો. અન્ય રાજ્યોમાં સિક્યોરિટી ચાર્જ ઓછા હોવાનો દાવો કર્યો હતો.
રાજ્ય સરકાર મુંબઈમાં યોજાતી મેચને કાનપુર કે લખનઉ જેવા શહેરોમાં યોજાતી મેચ સાથે કઈ રીતે સરખાવી શકે એવું આશ્ચર્ય કોર્ટે વ્યક્ત કર્યું હતું. મુંબઈમાં યોજાતી મેચનો સુરક્ષા ખર્ચ લખનઉમાં યોજાતી મેચ જેટલો હોય છે? આનો શું ખુલાસો છે? કંઈક ગડબડ છે, એમ મુખ્ય ન્યા. ઉપાધ્યાયે સવાલ કર્યો હતો.