અકસ્માતમાં સાત વાહન સળગીને ખાક ટેન્કર ચાલકનું મૃત્યુ, પાંચ જખમી


- લાતુરમાં ડિઝલ ટેન્કર અને ટ્રેક્ટર ટકરાયા

મુંબઇ: મહારાષ્ટ્રના લાતુરમાં ડિઝલ ભરેલા ટેન્કર અને ટ્રેક્ટરની અથડામણ બાદ આગ લાગતા સાત વાહન સળગી ગયા હતા. આ બનાવમાં ટેન્કરનો ડ્રાઇવર કાળનો કોળીયો બની ગયો હતો જ્યારે પાંચ જણને ઇજા થઇ હતી. અગ્નિશામક દળના જવાનોની મદદથી આગ બુઝાવવામાં આવી હતી.

લાતુર ઉદગીર માર્ગ પર ભાતખેડા નજીક આજે વહેલી સવારે શેરડી ભરેલા ટ્રેક્ટર અને ડિઝલ ટેન્કર ટકરાતા ભીષણ અકસ્માત થયો હતો. ટેન્કરમાંથી ડિઝલ રસ્તા પર ઢોળાય ગયું હતું. આથી વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. કાર, બસ અને અન્ય વાહનમાંથી લોકો રસ્તા પર ઉભા હતા. ત્યારે અચાનક આગ ભભૂકી હતી. ડ્રાઇવર ગફાર શેખ ટેન્કરમાં જ ફસાઇ ગયો હતો.

આગ ઝડપથી પ્રસરી ગઇ હતી. ટેન્કર, ટ્રક, બે કાર, એસટી બસ, ટ્રેક્ટર સહિત સાત વાહન આગની લપેટમાં સપડાયા હતા. આગની જાણ થતા પોલીસ, ફાયર બ્રિગેડના જવાન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે ભારે જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. 

દરમિયાન આગમાં ડ્રાઇવર શેખનું મોત નિપજ્યું હતું આ સિવાય પાંચ જણને ઇજા થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

- ટ્રક ચાલકે અડફેટમાં લેતા બાઇક પર જઇ રહેલા ભાઇ અને બે બહેને જીવ ગુમાવ્યો

મુંબઇ: ઔરંગાબાદના વાળૂજમાં આજે સવારે ગમખ્વાર અકસ્માતમાં ભાઇ અને બે બહેન મોતને ભેટયા હતા. ટ્રક  ડ્કાઇવરે બાઇકને અડફેટમાં લેતા આ અકસ્માત થયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે રાજણગામમાં રહેતો દીપક લોખંડે (ઉં.વ. 20) તેની બે બહેન અનિતા (ઉં.વ. 22) અને નિકિતા (ઉં.વ. 18) સાથે બાઇક પર જઇ રહ્યો હતો. તે બંને બહેનને કંપનીમાં નોકરીમાં છોડવા જતો હતો પરંતુ રાજણગામ ફાટા પાસે ટ્રક અને બાઇકની અથડામણ થઇ હતી. ટ્રકનું ટાયર શરીર પર ફરી વળતા ત્રણ જણનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.

City News

Sports

RECENT NEWS