BMC Election 2026: મુંબઈ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર મુંબઈના મલાડ વિભાગમાં કોંગ્રેસના બે મહત્ત્વના હોદ્દેદારોએ પાર્ટીને અલવિદા કહીને ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના ઉત્તર મુંબઈ જિલ્લા મહાસચિવ અરવિંદ કાડ્રોસ અને ઝૂંપડપટ્ટી પુનર્વસન સેલના પ્રમુખ મુરુગન પિલ્લઈ શુક્રવારે વિધિવત રીતે ભાજપમાં સામેલ થઈ ગયા છે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં પક્ષ પલટો
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના નેતૃત્વમાં શુક્રવારે, 2 જાન્યુઆરીના રોજ આ બંને નેતાઓએ વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. તેમની સાથે કોંગ્રેસના સેંકડો કાર્યકરો અને પદાધિકારીઓ પણ ભાજપમાં જોડાયા છે. આ પ્રસંગે મુંબઈ ભાજપ યુવા મોરચાના પ્રમુખ તેજિંદર સિંહ દિવાના સહિતના વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતા.
કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો
મલાડના વોર્ડ નંબર 47માં આ પક્ષ પલટાને કારણે રાજકીય ગરમાવો આવી ગયો છે. અરવિંદ કાડ્રોસ અને મુરુગન પિલ્લઈ બંને સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવતા નેતાઓ માનવામાં આવે છે. ચૂંટણી પહેલા જ આટલી મોટી સંખ્યામાં કાર્યકરોનું ભાજપમાં જવું એ કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે, કારણ કે કોંગ્રેસે આ વખતે બીએમસી ચૂંટણી એકલા લડવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: જંગલને બદલે શેરડીના ખેતરોમાં ઉછરી રહેલાં દીપડાંનાં બચ્ચાં
ઉત્તર મુંબઈમાં ભાજપનું વર્ચસ્વ વધ્યું
ભાજપ મુંબઈ મહાનગરપાલિકામાં પોતાની સત્તા સ્થાપવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. અન્ય પક્ષના સક્રિય નેતાઓને પોતાની સાથે જોડીને ભાજપ ખાસ કરીને ઝૂંપડપટ્ટી અને મધ્યમ વર્ગીય વિસ્તારોમાં પોતાનો જનાધાર વધારવાનો પ્રયાસ કરી રહી છે. પીયૂષ ગોયલની હાજરીમાં થયેલા આ પ્રવેશથી ઉત્તર મુંબઈમાં ભાજપ વધુ મજબૂત બની હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.


