Get The App

પીએચડી થીસીસ પાસ કરવા પુણેના મહિલા પ્રોફેસરે ૨૫ હજારની લાંચ માગી

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
પીએચડી થીસીસ પાસ કરવા પુણેના મહિલા પ્રોફેસરે ૨૫ હજારની લાંચ માગી 1 - image


- શિક્ષણના પવિત્ર વ્યવસાયને લાંછનરુપ કિસ્સો

- ઈકોનોમિક્સનાં પ્રોફેસર ડો. શકુંતલા ડિપાર્ટમેન્ટની ઓફિસમાં લાંચ લેતાં રંગે હાથ ઝડપાઈ ગયાં

મુંબઇ : ભ્રષ્ટાચારની અસરથી હવે શિક્ષણ વિભાગ પણ બાકાત રહ્યું નથી. શનિવારે એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)એ પીએસડીની થીસીસ મંજૂર કરવા લાંચ સ્વીકારનાર પુણેના એક મહિલા પ્રોફેસરને રંગે-હાથે ઝડપી લીધા હતા. એક શિક્ષકની થીસીસ મંજૂર કરવા આ મહિલા પ્રોફેસરે  પચ્ચીસ હજાર રૂપિયાની લાંચ માગી હતી અને ૨૦ હજાર સ્વીકારતા એસીબીના હાથોમાં ઝડપાઈ જતા ખળભળાટ મચી ગયો છે.

આ સંદર્ભે એસીબીના સૂત્રોનુસાર આરોપી ડો. શકુંતલા નિવૃત્ત માને (૫૯) હાલમાં પુણે પાસેના સાંગવીની બાબુરાવજી ઘોલેપ કોલેજમાં અર્થશાસ્ત્ર વિભાગમાં પ્રોફેસર છે. સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી (એસપીપીયુ)એ ૨૦૨૨માં ડો. માનેને ૪૦ વર્ષીય પીએચડી સ્કોલરની માર્ગદર્શક તરીકે નિયુક્ત કર્યા હતા. આ પીએચડી સ્કોલર પોતે પણ શિક્ષક છે.

આ સંદર્ભે એસીબીના તપાસ અધિકારી ડીએસપી પાચોરકરે જણાવ્યું હતું કે પીએચડી સ્કોલરે ઓક્ટોબર, ૨૦૨૩માં તેમની થીસીસ સબમીટ કરી હતી. આ સ્કોલરે એસીબીને ફરિયાદ કરી હતી કે ડો. માનેએ તેમની થીસીસ સુધારા સાથે ફરીથી સબમિટ કરવા માટે કથિત રીતે રૂા. ૨૫ હજારની માગણી કરી હતી. આ ફરિયાદની એસીબીએ ૨૬ માર્ચે ચકાસણી કરી અને શનિવારે બાબુરાવજી ઘોલપ કોલેજમાં એચઓડી-ઇકોનોમિક્સ વિભાગની ઓફિસમાં છટકું ગોઠવ્યું હતું. એસીબીની સૂત્રોના  જણાવ્યાનુસાર ડો. માને ફરિયાદી પાસેથી ૨૦ હજાર રૂપિયાની લાંચનો પહેલો હપ્તો સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા. આ બાબતે સાંગવી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો મુજબ સાંગવી પોલીસ સ્ટેશનમાં ડો. માને વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે.



Google NewsGoogle News