Get The App

બળાત્કારનો વિરોધ કરતાં 14 વર્ષની સગીરાને ડામ આપી મૂંડન કર્યું

Updated: Nov 21st, 2023

GS TEAM


Google News
Google News
બળાત્કારનો વિરોધ કરતાં 14 વર્ષની સગીરાને ડામ આપી મૂંડન કર્યું 1 - image


સગીરાને જાહેરમાં નિઃવસ્ત્ર ફેરવવાનો પણ પ્રયાસ

અકોલાના રીઢા ગુનેગાર સામે ફરિયાદ કરવા ગયેલાં માતાપિતાને પોલીસે શરુઆતમાં તગેડી મૂક્યાં : સામાજિક કાર્યકરના દબાણ બાદ ફરિયાદ લીધી

મુંબઇ :  અકોલામાં ૧૪ વર્ષની સગીરાએ તેના પર છેલ્લા કેટલાક સમયથી વારંવાર ગુજારવામાં આવી રહેલા બળાત્કારનો પ્રતિકાર કરતાં ગુંડાએ તેને સિગરેટના ડામ આપ્યા હતા અને તેનું મૂંડન કરી નાખ્યું હતું. બાદમાં તેણે આ સગીરાને જાહેરમાં નિઃવસ્ત્ર ફેરવવાનો પ્રયાસ પણ કર્યો હતો. શરુઆતમાં સગીરાના માતાપિતાની ફરિયાદ લેવાનો ઈનકાર કરનારી અકોલા પોલીસે બાદમાં સામાજિક કાર્યકરોના દબાણથી ગણેશ  કુમરે ઉર્ફે ગણીભાઈનામના રીઢા ગુનેગાર સામે પોક્સો તથા અન્ય કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

અકોલાના ખદાન પોલીસ મથક વિસ્તારના કૈલાસ ટેકરી ખાતે આ સગીરા તેના માતાપિતા સાથે રહે છે. તેના માતાપિતા મહેનત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. એકવાર સગીરા ઘરે એકલી હતી ત્યારે આ વિસ્તારનો ગુંડો ગણેશ કુમરે તેના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને ચાકુની અણીએ આ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. તે પછી ગણેશે વારંવાર આ સગીરાને બળાત્કારનો ભોગ બનાવી હતી. 

શરુઆતમાં સગીરા આરોપીની બીકે ચૂપ રહી હતી. પરંતુ, બે વર્ષ સુધી શોષણ બાદ સગીરાએ બળાત્કારનો પ્રતિકાર કરવાની કોશીશ કરતાં આરોપીએ તેને સિગરેટના ડામ આપ્યા હતા. તેનું મૂંડન કરી નાખ્યું હતું. એક સ્મશાનમાં લઈ જઈ જાહેરમાં તેને નિઃવસ્ત્ર કરી ત્યાં જ બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. 

સગીરાએ માતાપિતાને સમગ્ર વિગતની જાણ કરી હતી. માતાપિતા સ્થાનિક પોલીસને મળવા ગયાં ત્યારે પોલીસે કોઈ દાદ આપી ન હતી. 

આરોપી ગણેશની આ વિસ્તારમાં ખૂબ ધાક હોવાથી કોઇ તેની સામે મોઢું ખોલવા તૈયાર નહોતું. 

આખરે એક મહિલા સામાજિક કાર્યકરે પોલીસ પર દબાણ કરતાં પોલીસે ગણેશ સામે ફરિયાદ દાખલ કરી તપાસ ગણેશની ધરપકડ કરી હતી અને તેને અદાલત સમક્ષ હાજર કરતાં અદાલતે તેને ૧૧ દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા હતા. 

સગીરાના પિતાના આરોપ અનુસાર આરોપી ગણેશ તેમની દીકરી ઉપરાંત  પત્નીને પણ હેરાન કરતો હતો. કોઈ વિરોધ કરે તો તે હત્યાની ધમકી આપતો હતો. આ ઘટનાને કારણે સમગ્ર પરિવાર ભારે ડરી ગયો છે. 

ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ખટલો ચલાવવા માગણી

રાજકીય હોબાળોઃ મહિલા પંચે તપાસના આદેશ આપ્યા

રાજ્યમાં કાયદો વ્યવસ્થા ખાડે ગયાં, ફડણવીસ ગૃહ પ્રધાન તરીકે નિષ્ફળઃ સુપ્રિયા સૂળે

અકોલાાં લાંબા સમયથી શારીરિક શોષણ સહન કર્યા બાદ બળાત્કારનો પ્રતિકાર કરનારી સગીરાને ડામ આપી, મૂંડન કરી જાહેરમાં નિઃવસ્ત્ર ફેરવવાની ઘટનાના ઘેરા રાજકીય  પ્રત્યાઘાત પડયા છે. રાજ્ય મહિલા પંચે જિલ્લા પોલીસ વડા પાસેથી તપાસ અહેવાલ માગ્યો છે. બીજી તરફ વિપક્ષે ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર પસ્તાળ પાડી છે. 

રાજ્ય મહિલા પંચે પણ આ ઘટનાને ગંભીરતા પૂર્વક લઇ અકોલાના એસપીને એક પત્ર લખી ત્વરિત કાર્યવાહીના નિર્દેશ આવ્યા હતા. આ સાથે જ આરોપી સામે કઠોર કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હોવાનું રાજ્ય મહિલા પંચના અધ્યક્ષા રુપાલી ચાકણકરે માધ્યમોને જમાવ્યું હતું.

એનસીપીના નેતા સુપ્રિયા સુળેએ આ બાબતે એક ટ્વિટ કરી આ ઘટના માટે રાજ્યના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ટાર્ગેટ કરી તેઓ ગૃહ પ્રધાન તરીકે તદ્દન નિષ્ફળ ગયા હોવાનો આરોપ કરી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઇ હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ આ સમગ્ર પ્રકરણ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી પીડિતાને ન્યાય અપાવવાની માગણી કરી હતી.

Tags :