થિયેટરોમાં ધમાલના છૂટાછવાયા બનાવો વચ્ચે પઠાણને પહેલા દિવસે 60 કરોડની કમાણી

Updated: Jan 25th, 2023


મધ્યપ્રદેશ અને બિહારમાં થિયેટરમાં હિંદુવાદી સંગઠનના કાર્યકરોએ ધમાલ મચાવી શો બંધ કરાવ્યા

કોલક્ત્તામાં ફિલ્મના પોસ્ટરને ચોકલેટ કેક ખવડાવી, ગુવાહાટીમાં દુગ્ધાભિષેકઃ મુંબઈમાં થિયેટરોમાં ચાહકો નાચ્યાના વીડિયો વાયરલઃ રાતના સાડા બાર વાગ્યાથી શો શરુ કરાયા : 300 સ્ક્રીન વધારવામાં આવી 

મુંબઈ :  શાહરૃખ ખાન અને દીપિકાની ફિલ્મ પઠાણ આજે રિલીઝ થયાના પહેલા જ દિવસે ભારતભરમાં ૬૦ કરોડની કમાણીનો આંકડો વટાવી ચુકી હોવાનો અંદાજ ટ્રેડ પંડિતો દ્વારા આપવામાં આવ્યો હતોમધ્ય પ્રદેશ, બિહાર તથા મહારાષ્ટ્ર સહિત દેશના કેટલાક ભાગોમાં અમુક શહેરોમાં આ ફિલ્મ દર્શાવી રહેલાં થિયેટરો સામે વિરોધ તથા પોસ્ટર બાળવા સહિતના છૂટાછવાયા બનાવો પણ બન્ય હતા. જોકે, આ ગણતરીના બનાવોને બાદ કરતાં એકંદરે મલ્ટીપ્લેક્સ તથા સિંગલ સ્ક્રીન સિનેમા ગૃહો પર ફિલ્મ જોવા માટે ધસારો થતાં ફિલ્મ કમાણીના નવા રેકોર્ડ તોડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 

ફિલ્મને મળેલા પ્રચંડ પ્રતિસાદને જોતાં દેશના મુંબઈ તથા દિલ્હી સહિતનાં મોટાં શહેરોમાં રાતના ૧૨.૩૦ પછીના નવા શો પણ શરૃ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ ફિલ્મ માટે સ્ક્રીન સંખ્યા પણ ૩૦૦ જેટલી વધારવામાં આવી હતી. ફિલ્મ ટ્રેડ પંડિતોના જણાવ્યા અનુસાર હવે આ ફિલ્મ ૮૫૦૦ સ્ક્રીન પર  દર્શાવાઈ રહી છે. કોઈપણ હિંદી ફિલ્મનાં બિગેસ્ટ ઓપનિંગના નવા રેકોર્ડ આ ફિલ્મ રચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 

મોટાં શહેરોમાં શાહરૃખ ખાનના ડાઈ હાર્ડ ફેન્સમાં ફિલ્મ માટે અનોખો ક્રેઝ પણ જોવા મળ્યો હતો. શાહરૃખ ચાર વર્ષ બાદ મોટા પડદે મુખ્ય ભૂમિકામાં પાછો ફરી રહ્યો હોવાથી ચાહકોએ તેને વધાવવા જાતભાતના કાર્યક્રમો યોજ્યા હતા. કોલકત્તામાં એસઆરકે બ્રિગેડ દ્વારા મૂવીના પોસ્ટરને ચોકલેટ કેક ધરાવવામાં આવી હતી. ગુવાહાટીમાં કેટલાક ચાહકોએ ફિલ્મનાં બિલબોર્ડ પર દુગ્ધાભિષેક કર્યો હતો. સામાન્ય રીતે આવો ઉન્માદ સાઉથમાં રજનીકાંતની ફિલ્મ રિલીઝ થાય ત્યારે જોવા મળતો હોય છે. મુંબઈમાં કેટલાંક થિયેટરોમાં ચાહકો ફિલમોની બહાર એકસરખાં ટીશર્ટ તથા વિશાળ પોસ્ટર્સ સાથે પહોંચ્યા હતા. થિયેટરની અંદર પણ ચાહકો ડાન્સ કરી રહ્યા હોય તેવા વીડિયો વાયરલ થયા હતા. 

ફિલ્મના બેશરમ રંગ ગીતમાં દીપિકા પાદુકોણે ભગવા રંગની બિકીની પહેરી હોવાનો વિવાદ શમી ચૂક્યો છે. કેટલાંય સ્થળોએ હિંદુવાદી સંગઠનોએ પોતાનું બહિષ્કારનું એલાન પાછું ખેંચવાની જાહેરાત પણ કરી છે. તેમ છતાં દેશના કેટલાંક શહેરોમાં ફિલ્મોએ છૂટાછવાયા વિરોધનો સામનો કરવો પડયો છે. 

મધ્યપ્રદેશના  ભોપાલમાં રંગમહલ સિનેમા હોલમાં બજરંગ દળના કાર્યકરોએ ધમાલ મચાવી હતી અને થિયેટર માલિકને ફિલ્મનું પોસ્ટર દૂર કરવાની ફરજ પાડી હતી. તેમણે ફિલ્મના પોસ્ટર પણ ફાડયા હતા. ભોપાલ પોલીસના જણાવ્યા અનુસાર ફિલ્મ દર્શાવી રહેલાં થિયેટર પર વધારાની કૂમક ખડકવામાં આવી છે. ભોપાલના એડિશનલ પોલીસ કમિશન સચિન કુમારે કહ્યું હતું કે અમારી જાણ મુજબ કોઈ શો કેન્સલ થયો નથી. પરંતુ, સિનેમા હોલ માલિકે પોતે સ્વેચ્છાએ કોઈ નિર્ણય કર્યો હોય તો અમને માહિતી નથી. રંગમહલ સિનેમા હોલના સંચાલકોના જણાવ્યા અનુસાર વિરોધને પગલે તેમણે પહેલો શો રદ કર્યો હતો પરંતુ બાકીના શો રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. 

ઈન્દોરમાં હિંદુ જાગરણ મંચના કાર્યકરોએ સપના સંગીતા મોલ ખાતે ભગવો ધ્વજ લ્હેરાવ્યો હતો અને હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. કેટલાક દેખાવકારો સિનેમા હોલમાં ઘૂસી ગયા હતા અને દર્શકોને બહાર કાઢયા હતા. કસ્તૂર સિનેમા ખાતે પણ બજરંગ દળના કાર્યકરોએ ધમાલ મચાવી હતી. આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ દિશેષ અગ્રવાલે કબૂલ્યું હતું કે કેટલાંક સંગઠનોના વિરોધના કારણે અમુક મોનગ શો કેન્સલ થયા છે. 

ગ્વાલિયરમાં બજરંગ દળના કાર્યકરોએ ધમાલ મચાવી સિનેમા હોલ જતો રસ્તો બ્લોક કરી દીધો હતો. 

પટણામાં સંત પશુપતિનાષ વેદશાળાના સાધુઓએ ફિલ્મ સામે વિરોધ નોંધાવ્યો હતો. 

મહારાષ્ટ્રના સાંગલી સહિતના કેટલાક વિસ્તારમાં પણ ફિલ્મ સામે વિરોધ પ્રદર્શનો યોજાતાં હતાં. જોકે, મુંબઈ સહિત મહારાષ્ટ્ર પોલીસે ફિલ્મનો વિરોધ કરી રહેલાં સંગઠનોને કોઈપણ પ્રકારની હિંસા કે કાયદો હાથમાં લેવાની હરકત સામે કડક ચેતવણી આપી હતી.  


    Sports

    RECENT NEWS