મહારાષ્ટ્રમાં શુક્રવારથી ૧૦ ટકા પાણી-કાપ ઃ પુણેમાં દર ગુરુવારે પાણી પુરવઠો બંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મહારાષ્ટ્રમાં વોટર કરફ્યૂઃ નાગપુરમાં વેડફાટ માટે આકરો દંડ
પુણેમાં વાહન વોશિંગ સેન્ટરો બંધ ઃ સ્વીમીંગ પુલો,, બાગોમાં પીવાલાયક પાણીના ઉપયોગની મનાઈ ઃ
મુંબઇ - અલ નીનોની અસરને લીધે અપૂરતા વરસાદને કારણે મહારાષ્ટ્રમાં પાણી પુરવઠાની સ્થિતિ દિવસે દિવસે વધુને વધુ વિકટ બનવા માંડી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં દુકાળના ઓળા ઉતરવા માંડયા છે. ઝળુંબતા ગંભીર જળસંકટનો સામનો કરવા માટે અને રહ્યું સહ્યું પાણી બચાવવા માટે રાજ્ય સરકાર કટીબદ્ધ બની છે. શુક્રવારથી રાજ્યભરમાં ૧૦ ટકા પાણી-કાપ અમલમાં મૂકાશે અને પુણે શહેરમાં દર ગુરુવારે પાણીનો પુરવઠો સદંતર બંધ રાખવામાં આવશે.
પુણેથી નાગપુર અને છત્રપતી સંભાજીનગર સહિતના અનેક શહેરો અને ગામોમાં પાણી બચાવવા માટે તાકીદના પગલાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વોટર ઇમર્જન્સીની સ્થિતિમાં પાણીનો વેડફાટ કરશે તેને બારે દંડ, પાણીની ચોરી કરશે તેની વિરૃદ્ધ એફઆઇઆર નોંધવાનો તેમ જ રોજિંદા પાણી પુરવઠામાં ફરજિયાત કાપ મૂકવા સહિતના પગલાં લેવામાં આવશે. આને જળ સંચારબંધી (વોટર કરફ્યૂ) નામ આપવામાં આવ્યું છે.
પુણેમાં દર ગુરુવારે પાણીનો પુરવઠો બંધ રાખવામાં આવશે ઉપરાજધાની નાગપુરમાં પાણીનો વેડફાટ કરશે તેણે પાંચ હજાર રૃપિયાનો દંડ ભરવો પડશે. કારણ કે નાગપુરના જળાશયોમાં અત્યારે માત્ર ૫૮ ટકા પાણી રહ્યું છે. એટલે જ પાણીની બચત કરવા માટે આકરો દંડ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાર ધોવામાં બગીચામાં વૃક્ષોને પાણી આપવામાં, શેરી કે ઘરના વરંડાને ધોવામાં તેમ જ કન્સ્ટ્રકશન સાઇટ ઉપર પીવાના પાણીનો વપરાશ કરશે તેણે પાંચ હજારનો દંડ ભરવો પડશે. ઉપરાંત ગેરકાયદે નળના જોડાણો દ્વારા પાણીની ચોરી પકડી પાડવા માટે નાગપુર પાલિકાની ટીમ ઓચિંતી રેડ પાડશે.
પુણે શહેરને પાણી પૂરૃં પાડતા ખડકવાસલા ડેમમાં ફક્ત ૨૬.૨૨ ટી.એમ.સી. પાણી બચ્યું છે એટલે જ પુણે શહેરમાં દર ગુરુવારે ૧૦૦ ટકા પાણી કાપ જાહેર કરવામાં આવ્યો છે. કાર-વોશિંગ સેન્ટરો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બાંધકામના સ્થળે, બાગકામમાં તેમ જ સ્વિમિંગ પુલમાં પીવાના પાણીના ઉપયોગ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
દુકાળગ્રસ્ત મરાઠવાડામાં આવેલા છત્રપતી સંભાજીનગરમાં પણ અત્યંત ગંભીર પરિસ્થિતી છે. મરાઠવાડાના મોટામાં મોટા જળાશય જાયકવાડી ડેમમાંથી દરરોજ ૧.૬૪૯ મિલિયન ક્યુબિક મીટર પાણીનું રોજ બાષ્પીભવન થઇ જાય છે. એટલે આ રીતે લાખો લીટરનું બાષ્પીભવન થતું હોવાથી સપાટી નીચી જતી જાય છે. બીજી રીતે કહીએ તો સંભાજીનગરનો અઠવાડિયાના પાણી પુરવઠા જેટલા પાણીનું રોજ બાષ્પીભવન થઇ જાય છે. આવી ગંભીર સ્થિતિને કારણે સંભાજીનગર મહાપાલિકા તરફથી પાણી બચાવવા માટેના પગલાં લેવાની શરૃઆથ કરી દીધી છે.
ડોમ્બિવલી એમઆઇડીસી, બદલાપુરમાં પણ ં અઠવાડિયે એક દિવસ પાણી બંધ
મુંબઈ - કલ્યાણ-ડોમ્બિવલી, ઉલ્હાસનગર અને બદલાપુરને પાણી પૂરું પાડતા બારવી ડેમના પાણીની બચત કરવા માટે ડોમ્બિવલી એમઆઇડીસી તરફથી અઠવાડિયામાં એક દિવસ ૨૪ કલાક માટે પાણીનો પુરવઠો બંધ રાખવામાં આવશે. બાકીના દિવસોમાં ૧૦ ટકા પાણીકાપ અમલમાં રહેશે. આ પાણીકાપની અસર ડોમ્બિવલી ઔદ્યોગિક વિસ્તાર, તળોજા ઔદ્યોગિક ક્ષેત્ર, કલ્યાણ-ડોમ્બિવલી મહાપાલિકા ક્ષેત્ર અને ગ્રામીણ ભાગને થશે. દર ગુરુવારે મધરાતે ૧૨ વાગ્યાથી ચોવીસ કલાક માટે પાણી પુરવઠો બંધ રાખવામાં આવશે.
બદલાપુરમાં પણ સપ્તાહમાં એક દિવસ પાણી પુરવઠો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૩૧મી ઓગસ્ટ ૨૦૨૭ સુધી પાણીકાપનો આદેશ અમલમાં રહેશે, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.




