બાઇક રાખવા અંગેની તકરારમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
- મોરબીની ઘાંચી શેરીમાં બનેલી કરૂણ ઘટના
- આરોપીને શનાળા ગામ પાસેથી ઝડપી લેવાયો
મોરબી, તા. 1 ઑગસ્ટ, 2020, શનિવાર
મોરબીની ઘાંચી શેરીમાં મોટરસાયકલ રાખવા જેવી નજીવી બાબતે એક ઇસમેં છરીના ઘા ઝીંકી યુવાનને રહેંસી નાખ્યો હતો અને યુવાનને સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું બનાવને પગલે પોલીસે આરોપી સામે હત્યાનો ગુન્હો આરોપીને ઝડપી લીધો છે.
મોરબીની ઘાંચી શેરીમાં શુક્રવારે મોડી રાત્રીના સમયે મોટરસાયકલ રાખવા જેવી નજીવી બાબતે અનીશ પિંજારા નામના યુવાનને આરોપી જાબીર સીદીક પીલુડીયાએ છરીના ઘા ઝીંકી દેતા યુવાનને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો જોકે સારવાર મળે તે પૂર્વે જ યુવાનનું મોત થયું હતું બનાવને પગલે ડીવાયએસપી રાધિકા ભારાઈ, એ. ડીવીઝન ઇન્ચાર્જ પીઆઈ જે.એમ. ઓલ સહિતની ટીમ હોસ્પિટલ દોડી ગઈ હતી
બનાવ મામલે નવાડેલા રોડ ઘાંચી શેરીના રહેવાસી સકીલ રફીક પીઠડીયા પિંજારાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે રાત્રીના સિરામિક કારખાને પાર્સલ લઈને પરત આવ્યો હોય ત્યારે તેના ઘર પાસે તેનો ભાઈ અનીશ ઉભો હોય જેને જાબીર છરી લઈને મારવા દોડયો હોય અને છરીથી ઘા મારી ઈજા કરી હોય શેરીમાં ઘર પાસે મોટરસાયકલ રાખવા બાબતે બોલાચાલી થઇ હતી અને જાબીરે શેરીમાં મોટરસાયકલ નહિ રાખવાનું કહેતા ઘરમાં સંકળાશ હોય જેથી ઘર પાસે રાખું છું તને ક્યાં મોટરસાયકલ નડે છે તેમ કહેતા આરોપી જાબીરે ઉશ્કેરાઈ જઈને ગાળો આપી છરી વડે ઘા માર્યા હતા. જેને પગલે ફરિયાદીના ભાઈ અનીશનું મોત થયું છે. હત્યાનો ગુન્હો નોંધી પોલીસે આરોપીને શનાળા ગામ રાજપર રોડ પાસેથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.