વાંકાનેર: જુના ફ્રીઝની આડમાં લઇ જવાતો 1000 પેટી દારૂનો જથ્થો ઝડપાયો
- 12000 થી વધુ દારૂની બોટલો અને ટ્રક સહિતનો મુદામાલ જપ્ત
મોરબી, તા, 30 જાન્યુઆરી 2019, બુધવાર
વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી આર. આર. સેલની ટીમે જૂના ફ્રિજની આડમાં લવાતો દારૂ ભરેલો આખો ટ્રક ઝડપી લીધો છે. જેમાં રાજકોટ રેંજ આઈજીની ટીમે બાતમીને આધારે 1000 પેટી વિદેશી દારૂના જથ્થા સાથે મસમોટો મુદામાલ ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લાના વાંકાનેર બાઉન્ડ્રીથી વિદેશી દારૂની મોટાપાયે હેરાફેરી થતી હોય જેથી રાજકોટ રેંજ આઈજી સંદીપસિંહની સુચનાથી આર. આર. સેલ ટીમનાં પીએસઆઈ એમ. પી. વાળા સહિતની ટીમે બાતમીને આધારે વોચ ગોઠવી હતી.
જેમાં હરિયાણાથી આવતા કર્ણાટક પાસીંગના ટ્રકને આંતરી તલાશી લેતા ફ્રીજની આડમાં છુપાવેલો ૧૦૦૦ પેટી દારૂ અંદાજે ૧૨૦૦૦ બોટલ દારૂ કીમત ૩૬ લાખ અને ટ્રક સહીત ૪૫ લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે અને ટ્રક ચાલક મહેન્દ્ર યાદવ (રહે મૂળ યુપી હાલ મુંબઈ)ની અટકાયત કરવામાં આવી છે. જે હરિયાણાથી પોરબંદર તરફ લઇ જવામાં આવી રહ્યો હોવાની કબૂલાત આપી છે.
જુના ફ્રીજની આડમાં દારૂ ઘુસાડવાના ષડ્યંત્રનો પર્દાફાશ
બુટલેગરો બેફામ બની ગયા છે અને ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ ઘુસાડવાના નીતનવા કીમિયા અજમાવતા રહેતા હોય છે. જેમાં આ દારૂનો જથ્થો જુના ફ્રીજની આડમાં ઘુસાડવાની પેરવી કરતા હતા. જોકે આર આર સેલની ટીમે દારૂ ભરેલ આખો ટ્રક ઝડપી લીધો છે.