મોરબીમાં કોરોના કહેર અટકાવવા વેપાર ધંધા સાંજે 5 સુધી જ ચાલુ રાખવા સ્વૈચ્છિક નિર્ણય
- સંક્રમણ ફેલાતું અટકાવવા વેપારીઓમાં પણ જાગૃતતા
મોરબી, તા. 08 જુલાઈ 2020 બુધવાર
કોરોના મહામારીથી સમગ્ર વિશ્વ પીડિત છે. મોરબી જીલ્લામાં શરૂઆતના તબક્કે સ્થિતિ નિયંત્રણમાં રહ્યા બાદ હવે મોરબીમાં પણ કોરોના બેકાબુ બન્યો છે અને કોરોનાના કેસો તેમજ કોરોનાને પગલે મૃત્યુ આંક વધી રહ્યો છે ત્યારે પૂર્વ ધારાસભ્યએ મીટીંગ યોજી હતી. જેમાં વેપારીઓ સંગઠનોએ સાંજે ૫ સુધી જ વેપાર ચાલુ રાખવા સહમતી દાખવી હતી.
મોરબી શહેર અને જીલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થયો છે. મોરબી શહેરમાં કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિને રોકવા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી.
જેમાં કોરોના સામેની લડત અને તેનાથી બચવા માટેના વિકલ્પો માટે મોરબી શહેરના વિવિધ વેપારી એસોસીએશનના પ્રમુખ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને કોરોનાથી બચવા ચર્ચા કરી હતી તેમજ કોરોના સંક્રમણ અટકાવવા વેપાર ધંધા સાંજે 5 કલાક સુધી જ ચાલુ રાખવા સ્વૈચ્છિક નિર્ણય લેવાયો છે. તે ઉપરાંત મોરબીના પ્રજાજનોને આયુર્વેદિક ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે તેવું નક્કી કરાયું હતું.