મોરબી, તા. 4 સપ્ટેમ્બર 2019, બુધવાર
મોરબી પંથકમાં છાશવારે સર્જાતા માર્ગ અકસ્માતોમાં નિર્દોષ માનવજિંદગી હોમાઈ જતી હોય છે ત્યારે ગત રાત્રીના તાલુકાના લાલપર પાસેના હાઈવે પર એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં અંચલ અરવિંદભાઈ કુશવાહ (ઉ.વ.૨૯), દિવ્યરાજસિંહ વીરેન્દ્રસિંહ કુસવાહ (ઉ.વ.૧૦) અને રીક્ષાચાલક મહેબૂબભાઈ બાવાશાહ કાદરી (રહે. વાંકાનેર)ના ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યાં હતાં. અકસ્માતમાં જીવ ગુમાવનાર અંચલ જન્મદિવસની ઉજવણી કર્યા બાદ દિવ્યરાજ સહિત બે મિત્રને રીક્ષામાં બેસાડી વિદાય આપતો હતો ત્યાં ડમ્પર ત્રાટક્યું હતું.
મોરબી-વાંકાનર હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની મળતી માહિતી મુજબ લાલપર પાસેની ફેકટરીમાં કામ કરતા અંચલ કુશવાહનો ગઈકાલે જન્મદિવસ હોવાથી એની ઉજવણી કરવા માટે મોરબીના વિસીપરામાં રહેતા અને પાણીપુરીની લારી ચલાવતા તેના મિત્રો અને સંબંધી એવા અરુણ વિરેન્દ્રસિંહ કુસવાહ (ઉ.વ.૧૮) અને દિવ્યરાજસિંહ કુસવાહ બંનેને આમંત્રણ આપ્યું હતું. જેથી બંને લાલપર પાસેની ફેકટરીએ ગયા હતા. જ્યાં કેક કાપીને ત્રણેય મિત્રોએ ઉજવણી કરી હતી અને ઉજવણી પત્યા બાદ અંચલ તેના સંબંધી અરુણ અને દિવ્યરાજસિંહને રીક્ષા સુધી મૂકવા ગયો હતો.
રીક્ષા ઉભી રાખીને તેમાં બંનેને બેસાડીને વિદાય આપતો હતો ત્યારે અચાનક પાછળથી ડમ્પરના ચાલકે ઠોકર મારી હતી. ડમ્પર રીક્ષા પાછળ ઘુસી ગયું હતું. જેને પગલે સર્જાયેલા અકસ્માતમાં બર્થ ડે બોય એવા અચલ કુશવાહ, તેના સંબંધી દિવ્યરાજસિંહ કુશવાહ અને રીક્ષાચાલક મહેબૂબભાઈ કાદરીએ ત્રણના ઘટનાસ્થળે પ્રાણ ગુમાવ્યા હતા. જ્યારે અરુણને ઈજાઓ થતા મોરબી બાદ રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો. અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકી નાસી ગયો છે.બી ડીવીઝન પોલીસે અકસ્માતનો ગુનો નોંધવા અને ફરાર ડમ્પર ચાલકને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.


