મોરબી : હોમ ક્વોરન્ટાઈન પીરીયડ પૂરો થયો પરંતુ મુક્તિ ક્યારે ? ગીતાંજલિ એપાર્ટમેન્ટના રહીશો વિફર્યા
મોરબી, તા. 21 એપ્રિલ 2020 મંગળવાર
મોરબીમાં કોરોના પોઝીટીવ એક કેસ ઉમા ટાઉનશીપમાં નોંધાયો અને આધેડની હાલ રાજકોટમાં સારવાર ચાલી રહી છે તેમજ તકેદારીના ભાગરૂપે પોઝીટીવ દર્દીના નિવાસસ્થાન એવા ગીતાંજલિ એપાર્ટમેન્ટના રહીશોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. જે પીરીયડ પૂર્ણ થયા બાદ પણ મુક્તિ નહિ અપાતા રહીશો વિફર્યા હતા.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ઉમા ટાઉનશીપના ગીતાંજલિ એપાર્ટમેન્ટના રહીશ આધેડને કોરોના પોઝીટીવ આવતા ગીતાંજલિ એપાર્ટમેન્ટના રહીશોને કોરોનટાઈન કર્યા હતા અને રહીશોએ પણ જાગૃતતા દાખવીને સરકારની નિયમોનું પાલન કર્યું હતું અને સંભવિત કોરોના સંક્રમણ ના ફેલાય તેની તકેદારી રાખી હતી.
જોકે ક્વોરન્ટાઈન પીરીયડ 14 દિવસનો હોય અને પૂર્ણ થયો હોવા છતાં રહીશોને મુક્તિ આપવામાં આવી ના હોય જેથી સ્થાનિકો વિફર્યા હતા અને હંગામો કરી દેતા રાત્રીના સમયે સીટી મામલતદાર, આરોગ્ય ટીમ તેમજ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા અને સમજાવટ કરી હતી.