યુવતીએ અનૈતિક સંબંધનો ભાંડો ફોડવા ધમકી આપતા મળ્યું મોત
- વાંકાનેર પાસે ઓઇલ મિલમાં થયેલી હત્યામાં નવો ઘટસ્ફોટ
- વધુ કામ બાબતે નહીં પણ અનૈતિક સંબંધ હોવા અંગે સૌને જાણ કરીને બદનામ કરવાની સહકર્મી યુવતી ધમકી આપતી હોવાથી મોતને ઘાટ ઉતાર્યાની મેનેજરની કબૂલાત
મોરબી, તા. 9 ફેબ્રુઆરી 2019, શનિવાર
વાંકાનેર નજીક ઓઇલ મિલમાં કોમ્પ્યુટર ઓપરેટર યુવતીની હત્યા કરાયેલી લાશ મળ્યા બાદ પોલીસે હત્યા કરનાર મેનેજરને ઝડપી લઇને વધુ તપાસ ચલાવી હતી. જેમાં મૃતક યુવતી સાથે આરોપીને સંબંધ હોય અને યુવતી ધરાર સંબંધ રાખવા દબાણ કરતી હોવાથી તેની હત્યા કરી દેવામાં આવી હોવાની આરોપી મેનેજર કબુલાત આપી છે. આ પહેલા તેણે વધુ કામ બાબતે યુવતી બ્લેકમેઇલ કરતી હોવાનું કહ્યું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર હાઇવે પરની સુર્યા ઓઇલ મિલમાં કોમ્પ્યુટર ઓપરેટર અને બિલીંગનું કામ કરતી કવિતા ચૌહાણ નામની ૨૦ વર્ષીય યુવતીની બે દિવસ પુર્વે કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી. જે બનાવ મામલે મૃતક યુવતીના પિતા કેતનભાઇ ચૌહાણની ફરિયાદને આધારે વાંકાનેર પોલીસે મિલમાં મેનેજર તરીકે કામ કરતાં ધીરજ જીવાભાઇ આહીર (રહે. ભાટિયા સોસાયટી, વાંકાનેર, મૂળ જૂનાગઢ) સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી.
હત્યાનાં બનાવને પગલે જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ડીવાય. એસ.પી. આર.કે. પટેલ તેમજ વાંકાનેર સીટી પીઆઇ એમ.વી. ઝાલા તપાસ ચલાવતા હતા. જેમાં આરોપી ધીરજ આહીરને ઝડપી લઇને હત્યામાં વપરાયેલી કુહાડી કબજે લેવામાં આવી હતી તો ઝડપાયેલા આરોપીની પુછપરછ કરતા હત્યા કેસમાં નવો ખુલાસો થયો છે. જેમાં મૃતક યુવતી સાથે તેને સાતેક માસ પૂર્વે પ્રેમસંબંધ બંધાયો હોવાનું કબુલ કર્યું છે.
વધુમાં મેનેજરે કબુલાત આપી કે, હત્યાના બનાવના દિવસે તેના પુત્રની તબિયત ખરાબ હોવાથી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયો હતો ત્યારે મૃતક યુવતીએ ૩૦ થી ૪૦ વખત ફોન કર્યા હતા અને સંબંધ રાખવા સતત દબાણ કરતી હતી અને તેની પત્નીને સંબંધે વિષે કહીને તેને બદનામ કરશે, તેવી ધમકી આપી હતી.
જેથી યુવતીના અસંખ્ય ફોન બાદ તે મિલે પહોંચ્યો ત્યારે પણ ઝઘડો કર્યો હતો. યુવાન સંબંધ રાખવા સતત દબાણ કરતી હોય અને ઝઘડો કર્યો હોય જેથી ત્યાં પડેલી કુહાડીનો ઘા મારી હત્યા કરી નાખી હોવાની આરોપીએ કબુલાત આપી છે. આરોપીને સાત દિવસના પોલીસ રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવા પોલીસે તજવીજ આદરી હતી.