મોરબી: એક વર્ષના બાળકનું મોત, પણ કોરોના રિપોર્ટ નેગેટિવ
- મોરબીના પેન્ડિંગ તમામ સાત શંકાસ્પદ દર્દીઓનાં રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો
મોરબી, તા. 14 એપ્રિલ 2020 મંગળવાર
મોરબીમાં એક પોઝિટિવ કેસની વચ્ચે રાહતના સમાચાર છે કે ગઈકાલે સોમવારે લેવાયેલા તમામ સાત રિપોર્ટ નેગેટિવ જાહેર થયા હતા. જેમાં આજે મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર દરમિયાન મૃત્યુ પામનાર બાળક અને કોરોનો પોઝિટિવ દર્દીના પત્નીના ફરીથી લેવાયેલા સેમ્પલનો પણ સમાવેશ થાય છે.
મોરબીમાં કોરોના પોઝિટિવ કેસ બાદ તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ગઈકાલે સોમવારે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા ધ્રોલ પાસેના જોડિયા તાલુકાના અંબાળા ગામના 1 વર્ષના બાળકમાં શંકાસ્પદ લક્ષણો દેખાયા હતાં જ્યારે આ ઉપરાંત હળવદના ડુંગરપુરના 75 વર્ષના મહિલા વૃદ્ધ અને વાંકાનેરના રાતાવિડાની 40 વર્ષની મહિલા અને સરતાનપરના 23 વર્ષના યુવક તેમજ મોરબીના રાજપર ગામના દોઢ વર્ષના બાળકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા આ તમામને મોરબી સિવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ લઈ જામનગર રિપોર્ટ માટે મોકલાયા છે. જ્યારે આ ઉપરાંત મોરબીના કોરોના પોઝિટિવ દર્દી અશોકભાઈના પત્નીનો એક વાર રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તકેદારીના ભાગરૂપે તેમના ફરીથી રિપોર્ટ કરવામાં આવ્યો હતો તેમજ તેમના ટેક્ષી ડ્રાયવરના પણ સેમ્પલ લેવાયા હતા.
જ્યારે આજે રિપોર્ટ આવે તે પહેલાં વહેલી સવારે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં રહેલા જોડિયા તાલુકાના અંબાળા ગામના 1 વર્ષના બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. જોકે આ મૃતક બાળક સહિત તમામ સાત લોકોના રિપોર્ટ નેગેટિવ હોવાનું જાહેર થતા આરોગ્ય સહિતના તંત્રએ રાહતનો દમ લીધો હતો.