વાંકાનેરમાં બંધ સિરામિક ફેક્ટરીમાં હત્યા કરાયેલી મહિલાની મળેલી લાશ
- ઢુવા ચોકડી નજીક બનેલો ચોંકાવનારો બનાવ
- MPનું દંપતી સફાઈ કામગીરી સંભાળતું હતું: ફોરેન્સીક PMમાં ગળુ દબાવી હત્યા થયાનું ખૂલ્યું: પતિ સામે શંકાની ઉઠી સોઈ
મોરબી, તા. 8 જૂન 2019, શનિવાર
વાંકાનેર હાઈવે પરની બંધ સિરામિક ફેક્ટરીમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યા બાદ ફોરેન્સિક પીએમમાં મહિલાનું ગળું દબાવી હત્યા નીપજાવી દેવાઈ હોય તેવું સ્પષ્ટ થયું છે ત્યારે તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે. આ બનાવમાં મૃતક મહિલાનાં પતિ તરફ શંકાની સોઈ ઉઠી છે.
વાંકાનેરની ઢુવા ચોકડી નજીક આવેલી સુર્યા સિરામિક નામનું કારખાનું બંધ હાલતમાં હોય જેની સફાઈ સહિતની કામગીરી એમપીના વતની લક્ષ્મીબેન બાલાઈ અને તેના પતિ પીરૂલાલ બાલાઈ કરતા હોય દરમિયાન ગઈકાલે સાંજના સમયે લક્ષ્મીબેન બાલાઈ (ઉ.વ. ૨૫) નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો અને પતિએ ફેક્ટરીના માલિકને તેની પત્ની બેભાન થઈ હોવાનું જણાવ્યું હતું.
મૃતક મહિલાના ગળા પરના નિશાનો શંકા ઉપજાવે તેમ હોવાથી તાલુકા પોલીસની ટીમે મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડયો હતો અને પીએમ રીપોર્ટમાં મહિલાનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોય તેવું સ્પષ્ટ થયું છે ત્યારે સમગ્ર બનાવ મામલે પતિ શંકાના દાયરામાં હોય અને તેને પત્નીની હત્યા કરી હોય તેવી પ્રબળ આશંકા સાથે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ તપાસ ચલાવી રહી છે.
તેમજ બંધ હાલતમાં રહેલી સિરામિક ફેક્ટરીની ઓરડીમાં પતિ-પત્ની બે બનાવ સમયે હાજર હોય જેથી આ કૃત્ય પતિએ આચર્યું હોય તેવી શંકા પ્રબળ બની છે. વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે હત્યાનો ગુન્હો નોંધવા તજવીજ આદરી છે. બનાવ અંગે વધુ તપાસ તાલુકા પીએસઆઈ એસ.એ. ગોહિલ ચલાવી રહ્યા છે શકમંદ પતિની પોલીસ પૂછપરછ ચલાવી બનાવ અંગે સઘન તપાસ ચલાવી રહી છે.