મોરબી: યુવાનોને વિદેશમાં નોકરીની લાલચ આપી 1.82 કરોડની છેતરપીંડી
મોરબી, તા.14 માર્ચ 2019, ગુરૂવાર
મોરબીના લીલાપર ગામે રહેતા યુવાનને ઓએનજીસીમાં નોકરી આપવાના બહાને તેમજ અન્યને વિદેશીમાં નોકરી અને જમીનના મામલે શીશામાં ઉતારી 1.82 કરોડ ની છેતરપીંડી આચરવામાં આવી હોય જે મામલે તાલુકા પોલીસમાં છેતરપીંડીનો ગુન્હો નોંધાયો છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લીલાપર ગામના રહેવાસી જીગર કાન્તીભાઈ પટેલ (ઉ.વ.21)એ તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી મુકેશ જેઠા પટેલ, હંસાબેન મુકેશભાઈ પટેલ, યશ મુકેશ પટેલ અને પૂજા મુકેશ પટેલ (રહે. ચારેય અમદાવાદ)એ વર્ષ 2008 થી માર્ચ 2019ના સમયગાળા દરમિયાન આરોપીઓએ કાવતરું રચી ફરિયાદી અને સાહેદોને વિશ્વાસમાં લઈને ફરિયાદીને ઓએનજીસીમાં નોકરી અપાવવા તેમજ સાહેદોને વિદેશમાં નોકરી ધંધો કરવા મોકલવા અને જમીન તેઓના નામે કરી આપવાના બહાના હેઠળ જુદા જુદા સમયે રૂપિયા પડાવ્યા હતા.
જેમાં ફરિયાદીની માતાના દાગીના કીમત 6,25,000 સહીત કુલ 1,82,00,000 રૂપિયાની છેતરપીંડી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.