તંત્રની નિંભરતાથી થાકેલા લોકોએ સ્વખર્ચે જ કર્યું રોડનું સમાર કામ
- મોરબીમાં વિકાસની ગુલબાંગો ફૂંકતી સરકારને તમાચો
- હરિપાર્ક સોસાયટીનાં રહીશોએ જાતે જ કાંકરી મંગાવીને રસ્તાનાં ખાડા બુર્યા અને સાફ - સફાઇ પણ કરાઇ
મોરબી, તા. 30 જુલાઈ 2019, મંગળવાર
આંધળા તંત્રના પાપે બેસી રહેવા કરતા અપના હાથ જગન્નાથ ઉક્તિને સાર્થક કરીને મોરબીનાં સામાકાંઠે આવેલા હરિપાર્કના રહીશોએ પોતાની જાતે રોડનું સમારકામ કર્યું હતું. આ સમારકામમાં મહિલાઓ, વડીલો તમામ સ્થાનિકો જોડાયા હતા.
વિકાસની ગુલબાંગો ફૂંકતી સરકારને તમાચો મારવા સમાન કિસ્સો એવો છે કે, મોરબીના સામાકાંઠે આવેલી હરિપાર્ક સોસાયટીના મેઇન રોડ પર ખાડા પડી ગયેલા હોય, જેથી ચોમાસામાં હેરાનગતિ થવા ઉપરાંત ગંદકીના ગજ ખડકાઇ ગયા હતા. જેથી સ્થાનિકો દ્વારા તંત્રને અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી, છતાં તંત્ર દ્વારા કોઇ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકોએ ''અપના હાથ જગન્નાથ'' ઉક્તિને સાર્થકરી હતી અને પોતાના સ્વખર્ચે કાંકરી મંગાવીને પોતાની જાતે રોડનું સમારકામ હાથ ધર્યું હતું.
સાથે સાથે પ્રધાનમંત્રીના સ્વચ્છતા અભિયાન અંતર્ગત પોતાના વિસ્તારમાં સફાઇપણ હાથ ધરવામાં આવી હતી. આ અનેરા કાર્યમાં હરિપાર્કમાં રહેતા નિવૃત એ.એસ.આઇ. નાગદાનભાઇ ઉપરાંત ૩૦ જેટલી મહિલાઓ જોડાઇ હતી.