મોરબી જીલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદી બંધ, હજુ 4700 ખેડૂતો બાકી
મોરબી, તા.27 મે 2020, બુધવાર
મોરબી જીલ્લામાં સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા માટે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય જોકે હજુ 4700 જેટલા ખેડૂતોની ખરીદી બાકી હોય ત્યારે અચાનક ખરીદી બંધ થતા ખરીદી પુનઃ શરુ કરવાની માંગ કરાઈ છે
મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેને મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે મોરબી, માળીયા, ટંકારા અને વાંકાનેર એમ ચારેય તાલુકા મળીને પુરવઠા નિગમ દ્વારા ઓનલાઈન ચણાની ખરીદી માટે 5500 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલ છે. જેમાં મોરબી અને ટંકારા ખાતે ગુજકોમાર્શલ દ્વારા ચણાની ખરીદી ચાલુ કરવામાં આવેલ અને મોરબીના 590 જયારે ટંકારાના 273 ખેડૂતોને બોલાવી ચણાની ખરીદી કરેલ છે. અચાનક સરકાર દ્વારા ચણાની ખરીદી બંધ કરવામાં આવી છે.
સરકારના ઓનલાઈન રજીસ્ટર મુજબ હાલમાં 4700 ખેડૂતો બાકી રહી ગયેલ છે, તો તાત્કાલિક બાકી રહેલ ખેડૂતો માટે ટેકાના ભાવે ચણાની ખરીદી ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી છે.