મોરબીનાં નાની સિંચાઈ કૌભાંડમાં ખાનગી કંપનીનાં કર્મચારીની ધરપકડ
- વિવાદિત કામગીરીનાં નકશા બનાવવામાં સંડોવણી
- વધુ આધાર-પુરાવા એકત્ર કરવા રીમાન્ડ માટે તજવીજ
મોરબી, તા,19 એપ્રિલ 2019, શુક્રવાર
મોરબી જીલ્લામાં ખુબ ગાજેલા નાની સિંચાઈ કૌભાંડમાં અગાઉ નિવૃત ઈજનેર, હળવદના ધારાસભ્ય સહિતનાઓની ધરપકડ થયા બાદ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. દરમિયાન મોરબી ડીવાય.એસ.પી.ની ટીમ દ્વારા રાજકોટની ખાનગી કંપનીના કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. જે આરોપી દ્વારા વિવાદિત કામગીરીનાં નકશા બનાવાયા હોવાની માહિતી સુત્રોમાંથી મળી રહી છે.
મોરબી જીલ્લામાં નાની સિંચાઈ યોજના માટે ૨૦ કરોડની વધુમાં કામો કરવાના હતા. પરંતુ કામ કર્યા વિના રૂપિયા ચાઉં કરી જવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જે મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસમાં ગુન્હો નોંધાયા બાદ પોલીસે જીલ્લા પંચાયતના નિવૃત ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર સી.ડી. કાનાણી, કોન્ટ્રાક્ટર ચૈતન્ય પંડયા, વેગડવાવ મંડળીના હોદ્દેદાર ભરતભાઈ સવજીભાઈ રાઠોડ અને ગણપત ઉર્ફે ગણેશભાઈ મોહનભાઈ રાઠોડ અને છેલ્લે હળવદ- ધ્રાંગધ્રાના કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય હાલ ભાજપનાં ઉમેદવાર પરસોતમ સાબરીયા તથા વકીલ ભરતભાઈ ગણેશીયાની ધરપકડ કરવામાં આવી હતી. જે આરોપીઓના હાલ જમીન મંજુર થયા છે અને બીજી તરફ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
આ દરમિયાન સિંચાઈ કૌભાંડની સઘન તપાસ દરમિયાન પોલીસે વધુ એક આરોપી રાજકોટના નાના મવા રોડ ઉપર આવેલ સિલ્વર ગોલ્ડ રેસીડેન્સી શેરી નંબર ૪માં રહેતા રામજીભાઈ કાનજીભાઈ વાદી (પટેલ) (ઉ.વ. ૬૨)ની ધરપકડ કરી છે.
આરોપી રામજીભાઈ સસ્ટેનેબલ કંપનીની સાથે કામ કરતા હતા અને જે બોગસ બીલ બનાવીને સરકારી તિજોરીમાંથી નાણાને ઉપાડી લેવામાં આવ્યા છે, તેમાં બીલની સાથે જે તે સ્થળ ઉપર કરવામાં આવેલી કામગીરીના નકશા રજુ કરવામાં આવ્યા હતા, તે નકશા રામજીભાઈ વાદીએ બનાવ્યા હોવાથી ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેથી આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગમી સાથે રજુ કરવા પોલીસે તજવીજ આદરી હતી.